રાહુલ ગાંધીનું સ્વચ્છ કોંગ્રેસ મિશન, યુવાઓને તક મળતાં સિનિયરોનું કદ જોખમમાં
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ યુવાઓના બહાને પક્ષની સાફસુફી શરૃ કરી છે.પીઢ નેતાઓને અલવિદા કરી યુવાઓને સંગઠનની બાગડોર સોંપવામાં આવી રહી છે. ગુજરાતમાં ય રાહુલ ગાંધીએ યુવા નેતાઓને પ્રમોટ કરી જૂના જોગીઓને હાંસિયામાં ધકેલવાનુ શરૃ કરાયુ છે.પક્ષમાં યુવા નેતાગીરીનો દબદબો વધતાં હવે સિનિયર નેતાઓની રાજકીય કારર્કિદી જોખમમાં મૂકાઇ છે.
ગુજરાતમાં છેલ્લા કેટલાંય વખતથી સિનિયર નેતાઓએ અડિંગો જમાવ્યો છે.પક્ષની કામગીરીને માત્ર હોદ્દો ભોગવતા નેતાઓ સામે હવે વિરોધનો સૂર ઉઠયો છે જેના પગલે કોંગ્રેસ હાઇકમાન્ડે સેકન્ડ કેડરની નેતાગીરી ઉભી કરવા નક્કી કર્યુ છે. ગુજરાતમાં હાઇકમાન્ડે જ્ઞાાતિવાદનુ કાર્ડ ખેલી યુવા નેતાઓને પ્રમોટ કરવાનુ શરૃ કર્યુ છે જેમ કે, કુંવરજી બાવળિયા,સિધ્ધાર્થ પટેલ,વિરજી ઠુમર સહિતના નેતાઓનો પાટીદાર નેતાઓ તરીકે પક્ષમાં દબદબો રહ્યો છે. હાઇકમાન્ડે વિધાનસભા વિપક્ષના નેેતા તરીકે પરેશ ધાનાણીને પાટીદારોમાં યુવા નેતાગીરી ઉભી કરી છે. આ જ પ્રમાણે, જગદીશ ઠાકોરની કોંગ્રેસના ઓબીસી નેતા તરીકે ગણના થાય છે જેની સામે હવે અલ્પેશ ઠાકોરને કોંગ્રેસમાં સમાવી યુવા ઓબીસી નેતા તરીકે પ્રમોટ કરવામાં આવી રહ્યાં છે. ઓબીસી નેતા તરીકે ભરતસિંહ સોલંકી પણ પક્ષમાં મોભો ધરાવતા હતાં પણ હાઇકમાન્ડે તેમના સ્થાને યુવા ધારાસભ્ય અમિત ચાવડાને તક આપી નવી નેતાગીરી ઉભી કરી દીધી છે. વર્ષોથી માત્ર હોદ્દા ભોગવતા લઘુમતી આગેવાનો સામે પણ રોષ ભભૂક્યો છે.હવે યુવાઓને તક આપવા માંગ ઉઠી છે. કોંગ્રેસમાં ધારાસભ્ય શૈલેષ પરમાર દલિત નેતા તરીકે ઓળખ ધરાવે છે પણ હવે કોંગ્રેસે જ પાછલા બારણે જીજ્ઞોશ મેવાણીને સપોર્ટ કરી છે પરિણામે પક્ષના પીઢ દલિત નેતાની નેતાગીરી સામે પ્રશ્નાર્થ સર્જાયો છે.અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પરપ્રાંતિય મતદારોમાં ધારાસભ્ય હિંમતસિંહ પટેલનુ પ્રભુત્વ રહ્યુ છે પણ કોંગ્રેસે તેમની સામે મ્યુનિ.કોર્પોરેશનના વિપક્ષના નેતા દિનેશ શર્માને પ્રમોટ કરી રહી છે. આદિવાસીઓમાં મોહનસિંહ રાઠવા,તુષાર ચૌધરી અને મધુસુદન મિસ્ત્રી મોટાગજાના નેતા ગણાય છે પણ હવે હાઇકમાન્ડે ધારાસભ્ય અશ્વિન કોટવાલ અને ધારાસભ્ય આનંદ ચૌધરીને આગળ કરી રહી છે. આમ,કોંગ્રેસ હાઇકમાન્ડે જ્ઞાાતિવાદનું કાર્ડ ખેલી યુવા નેતાઓના બહાને સિનિયર નેતાઓને હળવેકથી દૂર રાખવાની રણનીતિ અજમાવી છે.યુવા નેતાઓ પણ કોંગ્રેસ માટે આગામી દિવસોમાં અસરકારક સાબિત થઇ રહ્યા છે જેના લીધે સિનિયર નેતાઓના રાજકારણમાં અસ્તિત્વ ટકાવવા સામે સવાલો ઉઠયાં છે