ભારત બંધ વખતની ઘટના, મહિલા PSIને બચકું ભરનારા કોર્પોરેટર રાજશ્રી કેસરીની ધરપકડ
મહિલા PSI અને કોન્સ્ટેબલને બચકું ભરવાના આરોપમાં ચાંદખેડાના કોર્પોરેટર રાજશ્રી કેસરીની ધરપકડ કરાઈ છે. 2જી એપ્રિલના રોજ અપાયેલા ભારત બંધના એલાન વખતે અમદાવાદમાં થયેલા તોફાનોમાં આ ઘટના બની હતી. તેમની સામે 2 એપ્રિલના રોજ FIR દાખલ કરવામાં આવી હતી, જે સંદર્ભે ચાંદખેડા પોલીસે તેમની આજે ધરપકડ કરી હતી. ચાંદખેડામાં સાત જેટલી મહિલાઓએ પોલીસને બચકાં ભરતા તેમને 108માં સારવાર આપવી પડી હતી.રાજશ્રી કેસરી સાથે તેમની માતાનું નામ પણ આ એફઆઈઆરમાં સામેલ હતું. તેમના પર મહિલા પોલીસ સબ-ઈન્સ્પેક્ટર ચૌધરી પર હુમલો કરવાનો આોપ છે. મહિલા કોર્પોરેટરે રાજશ્રી કેસરીએ પોતાને ડિટેઈન કરી રહેલા સબ-ઈન્સ્પેક્ટર અને બે મહિલા કોન્સ્ટેબલોને બચકાં ભર્યાં હતાં. ભારત બંધ દરમિયાન ચાંદખેડામાં ચાલી રહેલા દેખાવો દરમિયાન આ ઘટના બની હતી.સુપ્રીમ કોર્ટ દ્વારા એટ્રોસિટી એક્ટ અંગે કરાયેલી ટિપ્પણીના વિરોધમાં દલિત સંગઠનો દ્વારા સોમવારે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ દરમિયાન પહેલી વાર તોફાનીઓ પોલીસને બચકાં ભરી નાસી છૂટ્યા હોવાની ઘટના પણ અમદાવાદમાં નોંધાઈ હતી. અમદાવાદના કેટલાક સ્થળોએ તોફાનોના લાભ લઈ છાટકા બનેલા તોફાનીઓ પોલીસને બચકાં ભરી ભાગી ગયા હતા. સારંગપુરમાં પણ પોલીસને બચકા ભરવામાં આવ્યા હોવાની ઘટના બની હતી. દુકાનોમાં લૂંટ કરી ભાગતા એક યુવકે પણ પોલીસને બચકું ભર્યું હતું.