શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 6 એપ્રિલ 2018 (13:14 IST)

વિશ્વ સ્વાસ્થય દિવસે જાણો ગુજરાતમાં સરકારી દવાખાનાઓની સ્થિતિ

7 એપ્રિલ એટલે “વલ્ડૅ હેલ્થ ડે” વિશ્વ સ્વાસ્થય દિવસે આરોગ્યની સ્થિતીમાં ગુજરાત ક્યાં સ્થાન પર છે ખાસ કરીને શહેરી અને ગ્રામિણ વિસ્તારની શું સ્થિતી છે તેના પર નજર કરીએ તો આંકડાઓનો જે તફાવત જોવા મળે છે તે તફાવત ખૂબજ મોટો છે. વિકાસના બહાને ભાજપ સરકારનો ઝોક પહેલેથી જ શહેરો તરફ રહ્યો છે જ્યારે  ગ્રામિણ વિસ્તાર પ્રત્યે સરકારની અવગણના રહી છે. આ કારણોસર જ શહેરોમાં ભાજપનો આજેય રાજકીય દબદબો રહ્યો છે. ચોંકાવનારી હકીકત તો એ છે કે,ગંભીર બિમારીથી પિડીત ગુજરાતના દર્દીને સારવાર આપવામાંય ભાજપ સરકારની ભેદભાવભરી નીતિ હવે ખુલ્લી પડી છે.

વર્ષ ૨૦૧૮-૧૯માં ભાજપ સરકાર શહેરી આરોગ્ય સેવા માટે માથાદીઠ રૂ.૧૩૮૩ ખર્ચ કરશે પણ ગ્રામિણ વિસ્તારોમાં આરોગ્ય સેવા માટે માથાદીઠ માત્ર રૂ.૬૧૯ ખર્ચ કરશે. ભાજપના શાસનમાં ગુજરાતમાં ગામડાઓમાં સરકારી દવાખાનાઓ દુર્દશાભરી હાલત છે. અપુરતા ડૉક્ટરો, તબીબી સાધનોનો અભાવ, માળખાકીય સુવિધાના ભારોભાર અભાવને લીધે દર્દીઓ ના છુટકે ખાનગી દવાખાનામાં જવા મજબૂર બન્યા છે. હવે તો ખુદ સરકારે જ સરકારી દવાખાના સ્વૈચ્છિક સંસ્થા, ધાર્મિક મંડળોને આપી દેવા તૈયારી દર્શાવી છે. ગુજરાતમાં આજે ૨.૫૭ કરોડ લોકો શહેરોમાં વસવાટ કરી રહ્યા છે જ્યારે ૩.૪૭ કરોડ લોકો ગામડાઓમાં વસે છે. વર્ષ ૨૦૧૮-૧૯માં રાજ્ય સરકારે આરોગ્ય સેવાઓ માટે રૂ.૮૧૭૨.૩૮ કરોડની નાણાંકીય જોગવાઇ કરી છે. સરકાર બજેટમાં નાણાંકીય જોગવાઇ તો કરે છે પણ પૂરતો ખર્ચ જ કરવામાં આવતો નથી. વર્ષ ૨૦૧૪-૧૫માં રૂ.૫૬૨૮ કરોડની જોગવાઇ કરાઇ હતી પણ રૂ.૫૧૮૯ કરોડનો ખર્ચ કરાયો હતો. રૂ.૪૨૨ કરોડ વણવપરાયેલા રહ્યા હતાં. વર્ષ ૨૦૧૫-૧૬માં રૂ.૬૦૬૬ કરોડની જોગવાઇ સામે રૂ.૫૮૯૮ કરોડ ખર્ચાયા હતાં. રૂ.૨૫૪ કરોડનો ખર્ચ થઇ શક્યો ન હતો. વર્ષ ૨૦૧૬-૧૭માં ય સરકાર બજેટની જોગવાઇ સામે રૂ.૩૦૦ કરોડ ઓછો ખર્ચ કર્યો હતો. વર્ષ ૨૦૧૭-૧૮માં ય રૂ.૫૭ કરોડ વણવપરાયેલા પડી રહેશે. સરકારે શહેરો અને ગ્રામિણ વિસ્તારમાં પહેલેથી આરોગ્ય સેવા આપવામાં ભેદભાવભરી નીતિ દાખવી છે. વર્ષ ૨૦૧૬-૧૭માં શહેરોમાં આરોગ્ય સેવામાં સરકારેમાથાદીઠ રૂ.૧૧૧૨ ખર્ચ કર્યો હતો. જ્યારે ગામડાઓમાં પ્રતિ વ્યક્તિ પાછળ રૂ.૪૯૬ ખર્ચ કર્યો હતો. આરોગ્ય સેવા આપવામાંય શહેરો અને ગામડાઓ વચ્ચે અડધોઅડધ રકમનો તફાવત રહ્યો છે. વર્ષ ૨૦૧૭-૧૮માં શહેરીજનો પાછળ રૂ.૧૯૮૨ જ્યારે ગામડાવાસીઓ પાછળ રૂ.૬૧૨ ખર્ચ કરાયો હતો. રાજ્ય સરકારે વર્ષ ૨૦૧૬-૧૭માં શહેરો-ગામડાઓમાં આરોગ્ય સેવા પાછળ રૂ.૪૫૮૦ કરોડની જોગવાઇ કરી હતી તે આ વખતે વધારીને રૂ.૫૭૦૩ કરોડ કરાઇ છે. ભાજપ સરકાર શહેરોમાં આરોગ્ય સેવા પાછળ વધુ ખર્ચ કરી રહી છે જ્યારે ગામડાઓમાં આરોગ્ય સેવા બદતર હોવા છતાંયે સરકાર આંખ ફેરવી રહી છે. આમ,દર્દીઓને આરોગ્ય સુવિધા પુરી પાડવામાંય સરકારની બેધારી -ભેદભાવભરી નીતિ ખુલ્લી પડી છે