વડોદરામાં ડાયમંડ પાવર કંપનીનું 2600 કરોડનું લોન કૌભાંડ, CBIનાં દરોડા
વડોદરાના ચર્ચાસ્પદ ઉધ્યોગપતિ જે રાજકાણીઓ સાથે રહી પોતાના વ્યવસાય કરતા વધુ ચર્ચામાં રહ્યા છે. ડાયમંડ પાવર ઈન્ફ્રા.લી.ની કંપની દ્વારા અમિત ભટનાગરે કરેલા બેન્ક ફ્રોડને પગલે બેંકોના દેવા વધી ગયાની માહિતી સામે આવતા સીબીઆઈ દ્વારા આજે ગુરુવારે વહેલી સવારથી જ ભટનાગરની ઓફીસ, કંપની, ફાર્મહાઉસ સહિતના સ્થળો પર અલગ અલગ ટીમ સાથે રેડ કરી છે. કુલ 11 બેન્કો સાથેના બાકી લેણાના કુલ રૂ. 2654.40 કરોડના કૌભાંડને પગલે આજે સીબીઆઈએ અમિત ભટનાગરના સેવાસી સ્થિક મકાન, અનગઢ સ્થિત ફાર્મ હાઉસ ઉપરાંત ગોરવા બીઆઈડીસી, રણોલી સહિતના ડાયમંડ પાવરની કંપની અને તેની ઓફીસો પર અચાનક રેડ કરતા ચકચાર મચી ગઈ છે.
સીબીઆઈના ઈકોનોમીક સેલ દ્વારા આ રેડ કરવામાં આવી છે. હજુ પણ આ કાર્યવાહી ચાલુ છે. અમિત ભટનાગરની આ કંપનીએ બેન્કો સાથેના બાકી લેણા ન ભરતાં બેન્કો દેવા તળે વધુ દટાઈ ગઈ છે. દેશભરમાં ઉદ્યોગપતિઓ દ્વારા બેન્કો તરફથી નાણાં લઈ રફ્ફુચક્કર થઈ જવાનો જાણે દોર ચાલ્યો હોય તેવો માહોલ છે તેવા સંજોગોમાં આવા કેટલાક ઉદ્યોગપતિઓ સામે લાલ આંખ થાય તે જરૂરી બન્યું છે. આજે સીબીઆઈએ આ અંગેની કાર્યવાહી દરમ્યાન ભટનાગરના ત્યાં રેડ કરી છે.