બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 15 માર્ચ 2018 (10:38 IST)

ગુજરાત ST નિગમનું અનોખું અભિયાન, 10,000 કર્મીઓના કેસ ઉકેલશે 1 દિવસમાં

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના ૧૦,૦૦૦ જેટલા વર્ગ-૩ અને વર્ગ-૪ના કર્મચારીઓ સામેના કેસોનો નિકાલ આવતીકાલે થઇ જશે. જે કર્મચારીઓ સામેના ગુના અતિગંભીર ન હોય કેસોમાં ૧૫મી માર્ચે જાહેર કાર્યક્રમોમાં ઓપન હાઉસમાં સમીક્ષા કરી, જરુર પડે હળવી શિક્ષા કરીને કેસ નિકાલ કરવા ઝૂંબેશ યોજાશે. એસ.ટી. ગુજરાત રાજ્ય  માર્ગ વાહન વ્યવહાર નિગમના સચીવ દ્વારા જણાવાયું છે કે, નિગમના ૧૬ વિભાગો અને ૧૨૫ ડેપોમાં ફિલ્ડમાં ફરજ બજાવતા જુદાજુદા સંવર્ગના વર્ગ-૩ અને વર્ગ-૪ના કર્મચારીઓ સામે અતિગંભીર ન હોય તેવા વિવિધ ગુન્હાઓ અને કારણોસર ખાતાકીય કાર્યવાહી ચાલતી હોય છે. આવા કર્મચારીઓ સામે ડિફોલ્ટ કેસો અને ડિફોલ્ટ રીપોર્ટસ  થયેલા હોય છે.

આવા કર્મચારીઓ માનસિક તાણ અનુભવતા હોય છે, જેને કારણે તેમની ફરજની કામગીરી પર પણ અસર થાય છે. આવા ૧૦,૦૦૦ જેટલા કર્મચારીઓ પર સરકાર સકારાત્મક અસર ઉભી થાય તેમજ ભવિષ્યમાં આવા ગુન્હાનું પુનરાવર્તન ન થાય, કર્મચારીઓ સજાગ થાય અને તેમને સુધરવાની તક મળે સાથોસાથ નિગમ સામેના કોર્ટ કેસોના પ્રશ્નો પણ નિવારી શકાય એવા આશયથી નિગમના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત  આવા કેસોની સમીક્ષા કરાશે. જરૂર પડે હળવી શિક્ષા કરીને ઝૂંબેશની જેમ કેસોનો નિકાલ કરાશે. ૧૫મી માર્ચે સમગ્ર રાજ્યમાં ૧૬ વિભાગો અને ૧૨૫ ડેપો ખાતે નિગમના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ઓપન હાઉસ માધ્યમથી જાહેર કાર્યક્રમ કરીને ડિફોલ્ટ કેસોના નિકાલની ઝૂંબેશ પ્રક્રિયા હાથ ધરાશે. એસટીના કર્મચારીઓ અને સંગઠનોએ પણ આ નિર્ણયને આવકાર્યો છે.