સોમવાર, 11 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 27 ફેબ્રુઆરી 2018 (11:37 IST)

વાઈબ્રન્ટ ગુજરાત - બે વર્ષમાં 5.37 લાખ બેરોજગારોની નોંધણી થઈ, જેમાંથી માત્ર 12,869ને જ સરકારી નોકરી મળી

ગુજરાતની ગણના અત્યારે ભલે વાઈબ્રન્ટ મોડેલ તરીકે થતી હોય પરંતુ હકકીત તો એ છે કે ગુજરાતમાં બેરોજગારી ચરમસીમાએ પહોંચી ચૂકી છે. આ ઘટસ્ફોટ ખુદ રાજ્ય સરકારે વિધાનસભામાં પ્રસ્તુત કરેલા આંકડા પરથી પ્રતીત થાય છે. સોમવારે વિધાનસભામાં રાજ્ય સરકારે આપેલી વિગતો અનુસાર છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં 5.37 લાખ બેરોજગારોની નોંધણી થઈ છે જેમાંથી માત્ર 12,869ને જ સરકારી નોકરી આપવામાં આવી છે. આમ સરકારે કુલ બેરોજગારોના 10 ટકા નહીં, 5 ટકા પણ નહીં ફક્ત 2.5 ટકા લોકોને જ બે વર્ષમાં રોજગાર આપ્યો છે.

આ અંગે વિપક્ષી કોંગ્રેસે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા કે આ ભાજપની સરકાર વિવિધ તાયફાઓ અને મહોત્સવો પાછળ કરોડો રૂપિયાનું આંધણ કરીને ગુજરાતમાં રોજગારનું ફુલગુલાબી ચિત્ર રજૂ કરી રહી છે. પરંતુ હકીકત તો એ છે કે ગુજરાતમાં બેરોજગારો, અને તેમાં પણ શિક્ષિત બેરોજગારોની સંખ્યા કૂદકે ને ભૂસકે વધી રહી છે. છેલ્લા બે વર્ષમાં સૌથી વધુ બેરોજગારો નોંધાવાની બાબતે ગુજરાત દેશના ટોચના રાજ્યોમાં સામેલ છે. સરકાર ઔદ્યોગિકીકરણના નામે મૂઠ્ઠીભર ઉદ્યોગપતિઓને લ્હાણી કરી રહી છે પરંતુ સ્થાનિક યુવાનોને રોજગાર આપવા બાબતે બિલકુલ ઉપેક્ષિત વલણ દાખવે છે.