શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 2 ફેબ્રુઆરી 2018 (16:20 IST)

હોટલના નોકરોને ફટકારનાર બોપલ પોલિસ સ્ટેશનાનાં ચાર કોન્સટેબલની ધરપકડ થશે, સસ્પેન્ડ કરવાનો આદેશ

શહેરના એસજી હાઈવે ઉપર આવેલી જય દ્વારાકાધીશ હોટલ ઉપર તા. 31 જાન્યુઆરીના રોજ વહેલી પરોઢે જમવા ગયેલા બોપલના ચાર પોલીસ કોન્સટેબલને જમવાનું નહીં મળતા તેમણે હોટલના બે નોકરોને ઢોર માર માર્યો હતો. આ મામલે સરખેજ પોલીસે મોડે મોડે પોલીસ ફરિયાદ નોંધી હતી. હવે બનાવની ગંભીરતા જોતા અમદાવાદ ગ્રામ્ય પોલીસ પણ હરકતમાં આવી છે, તેમણે ચારેય પોલીસ કોન્સટેબલોને ફરજ મોકુફી ઉપર ઉતારી દેવાના કાગળો તૈયાર કરી દીધા છે. અગામી કલાકોમાં ફરજ મોકુફીના આદેશની બજવણી પણ થઈ જશે. સાંજ સુધી તેમને ધરપકડ પણ થઈ જશે. આ ઉપરાંત ગ્રામ્ય પોલીસે સરખેજ પોલીસને જાણ કરી છે કે નોકરને ફટકારનાર ચારેય પોલીસ કોન્સટેબલો મુકેશ ગઢવી, પ્રદ્યુમનસિંહ, સાદીક અને હરપાલસિંહને ફરજ મોકુફીનો આદેશ આપવામાં આવે ત્યારે જો સરખેજ પોલીસ તેમની ધરપકડ કરવા માગતી હોય તો તેમણે પોલીસ કોન્સટેબલોનો કબજો મેળવી તેમની ધરપકડ કરવી. બીજી તરફ આ ચારેય પોલીસ કોન્સટેબલોની સિનિયર અધિકારીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં આ કોન્સટેબલોના કારસ્તાન અને ક્રુરતા સીસીટીવીમાં કેદ હોવાને કારણે તે પોતાના કૃત્યનો બચાવ કરી શકે તેમ ન્હોતા. છતાં તેમનો પક્ષ એવો હતો કે જે હોટલ માલિક છે તે તેમનો મિત્ર હોવાને કારણે તેઓ ત્યાં જમવા ગયા હતા. પરંતુ તેમના નોકર દ્વારા દુરવ્યવહાર થયો હોવાને કારણે તેમણે નોકરોને માર્યા હતા. આ પોલીસ કોન્સટેબલો કેટલાંક પોલીસ અધિકારીઓની વિશેષ સંભાળ લેતા હતા. જેને પોલીસની ભાષામાં વહિવટદાર કહેવામાં આવે છે, તેના કારણે કોન્સટેબલોએ પોતાની સત્તાનો બેફામ ઉપયોગ કર્યો હતો. તેઓ માનતા હતા કે તેઓ જેમનો વહિવટ સંભાળે છે તેવા અધિકારી તેમને બચાવી લેશે.