બુલેટ ટ્રેનની ગતિએ તૈયારી- બે PMના 30 કલાક: 8 કાર્યક્રમ 15000 પોલીસ, બેગ સ્કેનર, ડ્રોન ને 13 QRT
જાપાનના વડાપ્રધાન બુધવારે બપોરે ત્રણ વાગ્યાના અરસામાં અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચશે અને ગુરૂવારે રાત્રે ૯-૩૦ વાગ્યે અમદાવાદ એરપોર્ટથી સીધા જાપાન રવાના થશે.
જાપાનના વડાપ્રધાન શિન્ઝો અબે અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા વ્યવસ્થા માટે આખા રાજ્યની પોલીસ કાર્યરત બની છે. ત્રણ દિવસથી શહેર પોલીસ દ્વારા સતત રિહર્સલ યોજવામાં આવી રહ્યાં છે. મંગળવારે ગ્રાન્ડ રિહર્સલ યોજવામાં આવશે. દરમિયાન, ગુજરાત રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આજે એરપોર્ટથી સાબરમતી ગાંધી આશ્રમ સુધીના રૂટની ચકાસણી કરી હતી.
ગૃહમંત્રીએ સાબરમતી આશ્રમમાં સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી પણ કરી હતી. એરપોર્ટથી આશ્રમ સુધી બુધવારે બપોરે બન્ને વડાપ્રધાનનો ‘રોડ શો’ યોજાશે. આ પછી સાંજે પાંચ વાગ્યે સાબરમતી આશ્રમ ખાતે સર્વધર્મ પ્રાર્થના સભામાં બન્ને મહાનુભાવો ઉપસ્થિત રહેનાર છે. ગૃહમંત્રી સાથે ગુજરાત IBના વડા અને DGP શિવાનંદ ઝા, શહેર પોલીસ કમિશનર એ.કે. સિંઘ સહિતની ટીમ જોડાઈ હતી. અમદાવાદ અને ગાંધીનગર પોલીસ સંકલન સાધીને બન્ને PMની સજજડ સુરક્ષા વ્યવસ્થાનું આયોજન કરી રહ્યાં છે. ભારત અને જાપાનના વડાપ્રધાનના સુરક્ષા ઘેરામાં શહેર પોલીસે બનાવેલી ખાસ ટૂકડીઓ પણ તહેનાત રહેશે. ગુજરાતમાં 30 કલાકના રોકાણ દરમિયાન કાર્યક્રમો માટે બન્ને મહાનુભાવ 150 ચોરસકિલોમીટર વિસ્તારમાં યોજાનાર આઠ અલગ-અલગ કાર્યક્રમમાં હાજરી આપવાના છે. અમદાવાદ અને ગાંધીનગર પોલીસના 15000 પોલીસ, સુરક્ષા જવાનો ઉપરાંત QRTની તેર ટીમો અને બેગ સ્કેનર, ડ્રોન અને CCTVથી સર્વેલન્સ જેવા સુરક્ષા આયોજનો કરવામાં આવ્યાં છે. ક્રાઈમ બ્રાન્ચના જુના અધિકારીઓને બહારથી બોલાવીને વડાપ્રધાનના અંગત સુરક્ષા ઘેરામાં મુકાયા છે. ખાસ કરીને કાર્યક્રમો દરમિયાન પાટીદાર સહિત અન્ય આંદોલનોના કાર્યક્રમોના મેસેજ અને કોલ માટે ટેકનીકલ સર્વેલન્સ પણ કરવામાં આવી રહ્યું છે. શહેર પોલીસના સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, બન્ને વડાપ્રધાનના પ્રોટોકોલ પ્રમાણે ચોક્કસ સુરક્ષા ઘેરો છે. આ સુરક્ષા લેયરની બહાર અમદાવાદ સીટી પોલીસ ખાસ કરીને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તૈયાર કરાયેલો મોરચો રહેશે. જેની જવાબદારી એક સમયના ક્રાઈમ બ્રાન્ચમાં પી.આઈ તરીકે ફરજ બજાવી ચુકેલા અને હાલના સુરત ક્રાઈમ બ્રાન્ચ. A.C.P. આર.આર સરવૈયા અને ATS Dy.S.P. કિરણ પી. પટેલને સોંપાઈ છે. બન્ને અલગ મોરચામાં પી.આઈ અને પી.એસ.આઈ સહિતનો સ્ટાફ પણ તહેનાત રહેશે અને તે બન્ને વડા પ્રધાનના કાફલાની આસપાસ રહીને સુરક્ષા પુરી પાડશે. આ ઉપરાંત રોડ શો અને બીજા દિવસના ગાંધીનગર સુધીના કાર્યક્રમ દરમિયાન પણ શહેરમાં અલગ અલગ ૧૩ સંવેદનશીલ ઠેકાણે ક્યુ.આર.ટી. તહેનાત રહશે તેમ સુત્રોએ ઉમેર્યું હતુ. કોઈ અનિચ્છનિય બનાવ બને તો એક જ આદેશમાં તાત્કાલીક ઈન્ટરનેટ સેવા રોકી દેવા અને શહેર લોકડાઉન કરી દેવા જેવી વ્યવસ્થા પણ ઉભી કરી દેવાઈ છે. શંકાસ્પદ વ્યક્તિઓ અને મહિલાઓના પર્સ તપાસવા માટે બેગ સ્કેનર પણ મુકવામાં આવશે.