શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 24 ઑગસ્ટ 2017 (13:20 IST)

પાટીદાર આંદોલન થાળે પાડવાના ખેલમાં ભાજપે કોટડિયાને કમાન સોંપી

ભાજપમાંથી બળવો કરીને ગુજરાત પરિવર્તન પાર્ટી નામનો નવો રાજકીય પક્ષ ઊભો કરીને ૨૦૧૨માં ચૂંટણીમાં ઝંપલાવનારા કેશુભાઇ પટેલની પડખે રહીને ધારી વિધાનસભા બેઠક પરથી ચૂંટાઇ આવેલા પાટીદાર ધારાસભ્ય નલિન કોટડિયાએ ભાજપમાં ભળ્યા બાદ એકાએક પાટીદાર અનામત આંદોલનને ટેકો જાહેર કર્યો હતો, પરંતુ હવે અનામતની માગણી સાથે ચાલી રહેલા આ આંદોલનના નેતા હાર્દિક પટેલને જ કોરાણે મૂકીને ભાજપ સરકાર સાથે સમાધાનની ફોર્મ્યુલાને આગળ ધપાવવા માટે કવાયત આદરી છે. બીજી બાજુ હાર્દિક પટેલે આ આખી કવાયત નિરર્થક હોવાનો હુંકાર કર્યો છે.

તાજેતરમાં જ યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાજપાના ઉમેદવારને પોતાનો વોટ નહીં આપવાની જાહેરાત કરીને નલિન કોટડિયાએ ભાજપાને પાટીદાર વિરોધી કહીને આક્ષેપો કર્યા હતા, પરંતુ ગુજરાતની રાજ્યસભાની ત્રણ બેઠકોની ચૂંટણીમાં કોટડીયાએ ભાજપાના વ્હીપને આગળ ધરીને ભાજપના ઉમેદવારને મત આપ્યો હોવાનું જણાવ્યું હતું, પરંતુ પાછળથી પાટીદાર આંદોલનકારીઓનો વિરોધ જોઇને તેમણે ફેરવી તોડ્યું હતું. જોકે હવે ડિસેમ્બરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર મતદારોને રીઝવવા અને તેમનો રોષ શાંત પાડવા માટે ભાજપે પાસના આંદોલનનું ઑપરેશન કરવાનું નકક્ી કર્યું છે તેમ જ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલને પાટીદાર આગેવાનો સાથે બેઠકો યોજીને આંદોલનનો રસ્તો કાઢવાનું શરૂ કરવામાં આવ્યું છે.
નલિન કોટડિયાએ હાર્દિક પટેલને બાજુ પર રાખીને અને લાલજી પટેલને આગળ કરીને પાટીદાર આંદોલનનો સંકેલો કરી લેવાની કવાયત શરૂ કરી દીધી છે. આ કવાયતના ભાગરૂપે કોટડિયાએ અમદાવાદ-ગાંધીનગર હાઇવે પર આવેલ ઉમિયાધામ ખાતે પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કેટલાક ક્ધવીનર્સ, એસપીજીના સભ્યો, પાટીદારોની ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિની બેઠક બોલાવી પાટીદાર અનામત આંદોલન અંગે ચર્ચા કરી હતી. કોટડિયાએ બોલાવેલી બેઠકમાં પાસના હાર્દિક પટેલને નિમંત્રણ જ ના અપાતા તે હાજર રહ્યાં ન હતાં. એસપીજીના રાષ્ટ્રીય પ્રમુખ લાલજી પટેલને નિમંત્રણ અપાયું હતું પણ લાલજી સામાજિક કારણોસર હાજર રહી શક્યા ન હતાં.
આ બેઠકમાં પાટીદારોના મુખ્ય ચાર મુદ્દા અનામત અને પાટીદાર આયોગ, આંદોલન દરમિયાન શહીદ થયેલા પાટીદારોના પરિવારોને વળતર, પાટીદારો પર અત્યાચાર કરનારા પોલીસકર્મીઓ સામે કાર્યવાહી, પાટીદારો સામે થયેલ કેસ પાછા ખેંચવા વગેરે પર ચર્ચા થઇ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ પાસ-એસપીજી અને અન્ય અગ્રણીઓ પણ બેઠકમાં પાટીદારોને કોઈ પણ રીતે અનામત મળે તે શક્ય નથી તે વાત સાથે લગભગ સંમત થઈ ગયા છે. બંધારણીય રીતે પાટીદારોને અનામત આપવાનો મુદ્દો પકડી રાખવાથી કોકડું ઉકેલાવાનું નથી ત્યારે અન્ય મુદ્દાઓ જેવા કે અલગ પાટીદાર આયોગ બનાવી સમાજને લાભ મળે તથા અન્ય માગણીઓ સરકાર સ્વીકારે તો વિધાનસભાની ચૂંટણી પહેલા આંદોલનનો અંત લાવવા માટે તૈયારી કરાઈ રહી છે.