સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 18 ઑગસ્ટ 2017 (15:29 IST)

મુખ્યપ્રધાન રુપાણીએ વીજળીવેગે ચારે ખૂણે હોસ્પિટલોની મુલાકાત લીધી- મૃતકાંક 230

સ્વાઇન ફ્લૂ રોગચાળા વિશે ગુજરાત હાઇકોર્ટે વાસ્તવિક સ્થિતિ અંગેની કરેલી ટકોર કારણભૂત હોય તો ભલે પણ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રુપાણી વીજળી વેગે રાજ્યના ચારે ખૂણે મહાનગરોની સિવિલ હોસ્પિટલોની મુલાકાત લીધી હતી. રુપાણી સ્વાઇન ફ્લૂ વોર્ડની મુલાકાત સાથે વહીવટીતંત્રના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી તમામ જાણકારી મેળવી હતી. અત્યાર સુધીમાં સ્વાઈન ફ્લૂથી કુલ 230ના મોત થયાનો સત્તાવાર આંકડો મળ્યો હતો. આજે વધુ 177 નવા કેસ મળી આવ્યા હતા. સવારે સીએમ રુપાણીએ સૂરત સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ત્યાંથી તેઓ વડોદરા સિવિલ હોસ્પિટલ પહોંચ્યાં હતાં.

સૂરતમાં તેમણે જણાવ્યું હતું કે સરકારે સ્વાઇન ફ્લુ નિયંત્રણ માટે તમામ પગલાં લીધાં છે અને એની ફ્લૂ ટેમી ફ્લૂનું સૂત્ર નાગરિકોને આપતાં જણાવ્યું હતું કે તમામ પ્રકારની સારવાર મળી રહે તેનો પૂરતો પ્રબંધ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. સ્વાઇન ફ્લૂના કેસીસ મહાનગરોમાં વધુ પ્રમાણમાં નોંધાયાં છે ત્યારે નાગરિકોને સ્વાઇન ફ્લૂથી કેવી રીતે બચવું તે પણ સીએમ જણાવી રહ્યાં છે. રુપાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કેબિનેટ બેઠકમાં તમામ જિલ્લાના કલેક્ટરોને સૂચના આપવામાં આવી છે. ઘેરઘેર સર્વે કરવામાં આવી રહ્યો છે. કુલ 2095 કેસો સ્વાઇન ફ્લૂ પોઝિટિવ જણાયાં છે. તેમ જ રાજ્યમાં આજે નોંધાયેલા વધુ 12 મોતને લઇ મૃતકોની સંખ્યા 230 પર પહોંચી છે.

સીએમ વડોદરા સિવિલ હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા દર્દીઓને મળ્યાં હતાં. અહીંની મુલાકાત પતાવીને સીએમ રુપાણી રાજકોટમાં સિવિલ હોસ્પિટલના સ્વાઇન ફ્લૂ વોર્ડની મુલાકાત કરી છે. તેઓ સાંજે પાંચ વાગ્યા પછી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પણ સ્વાઇન ફ્લૂ વોર્ડની મુલાકાત લેવાના છે.અમદાવાદમાં ગઇ કાલે 91 કેસ નોંધાયા છે જેની કુલ સંખ્યા 212 કેસ પર પહોંચી ગઇ છે. મુખ્યપ્રધાનના અધ્યક્ષસ્થાને “ સ્વાઈન ફલૂ ”ના રોગ અંગે શહેર-જિલ્લામાં કરવામાં આવેલી કામગીરીની અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં સ્વાઈન ફલુની યોગ્ય સમયે સારવાર મળી રહે તે માટે એમ્બ્યુલન્સથી માંડી વેન્ટિલેટર સુધીના તમામ જરૂરિયાતના સાધન અદ્યતન રાખવા તેમજ સાધનોની સમયાંતરે ચકાસણી કરવાની તાકીદ કરી હતી. સગર્ભા મહિલાઓને શ્રેષ્ઠ સેવાઓ મળી રહે તેમજ અન્ય સ્થળોએ રોગ ન પ્રસરે તે માટે સ્વચ્છતાની પૂરતી તકેદારી લેવા જણાવ્યું હતું. સ્વાઈન ફલુને નાથવા માટે આરોગ્ય વિભાગના અધિકારી-કર્મચારીઓ સૌ સાથે મળીને મક્કમતાથી આગળ વધવા અનુરોધ કર્યો હતો. આ વેળાએ તેમણે સ્વાઈન ફલુની દવાઓ, લેબોરેટરી વગેરેની વિગતો મેળવી હતી. બેઠકમાં તેમણે આરોગ્ય વિભાગ દ્વારા સ્વાઈન ફલુ સંબંધે કરવામાં આવી રહેલી કામગીરીનું પાવર પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું.