મોદી સાહેબ તમે ઉદ્ધાટન કરેલ બ્રિજ પર સળિયા બહાર આવી ગયા
ગુજરાતમાં ભારે વરસાદના કારણે ભારે નુકસાન થયુ છે. આ વખતે રાજકોટમાં પણ મેઘરાજાએ ભારે પધરામણી કરી હોવાથી રોડનું ધનોતપનોત નિકળી ગયું છે. ત્યારે શહેરના ગોંડલ રોડ પર આવેલો ટ્રાય એંગલ બ્રીજ પહેલેથી જ વિવાદિત રહ્યો છે. શહેરમાં નવા બ્રીજમાં કૌભાંડ થયું હોય તેવા દ્રશ્યો પ્રજા સામે આવ્યા છે. 2010માં તત્કાલિકન સીએમ હાલના PM નરેન્દ્ર મોદીના હસ્તે આ બ્રીજનું લોકાર્પણ કર્યું હતું. જેમાં આજે મસમોટું ગાબડું પડતા ભ્રષ્ટાચાર ઉડીને આંખે વળગી રહ્યો છે.
આ ગાબડું પડતા તેમાંથી સળિયા બહાર આવી ગયા છે. જે તે કંપનીએ 46 કરોડનાં ખર્ચે 1.5 કિમીની લંબાઈ ધરાવતો અને 12 મીટર પહોળાઈ ધરાવતો આ બ્રીજ મવડી ગોંડલ રોડના ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે બનાવ્યો હતો. ત્યારે 7 વર્ષના ટૂંકા ગાળામાં જ આ બ્રીજમાં ગાબડાં પડતા ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. જે-તે સમયે શાસક ભાજપે મોટી-મોટી વાતો કરી હતી કે 50 વર્ષ સુધી આ બ્રીજને કશું જ નહીં થાય. હાલ આ પુલ પરથી ટ્રક, એસટી, સીટી બસ અને રોજના હજારો વાહનો પસાર થાય છે. આ તમામની સલામતી પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.