બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 20 નવેમ્બર 2018 (14:53 IST)

જશદણની પેટા ચૂંટણી પહેલા જ ભાજપને ઝટકો, કરોડોના કૌભાંડના આક્ષેપ બાદ હરિભાઈ ચોધરીએ ફોન બંધ કરી દીધો

ગુજરાતના બનાસકાંઠાના સાંસદ અને કેન્દ્રમાં રાજ્યકક્ષાના મંત્રી હરીભાઈ ચૌધરીએ પીએનબી- નિરવ મોદીના કૌભાંડમાં મોટી લાંચ લીધી હોવાનો આક્ષેપ સીબીઆઈનાં ડીઆઈજીએ સુપ્રીમ કોર્ટમાં કર્યા બાદ ગુજરાત સરકારમાં તથા ભાજપમાં સન્નાટો બોલી ગયો છે. હરીભાઈ સામેના આક્ષેપોની વિગતો સોશિયલ મીડિયામાં ફરવા માંડી હતી. જેને પગલે ગુજરાતમાંથી જ કેટલાય મંત્રીઓ, ધારાસભ્યો - સાંસદો અને સંગઠનના નેતાઓએ હરીભાઈનો સંપર્ક કરવાના અનેક પ્રયાસો કર્યા હતા. પરંતુ તેમાંથી ભાગ્યે જ કોઈ તેમની સાથે વાતચીત કરી શક્યું છે.
હરીભાઈ ચૌધરી બનાસકાંઠાના પાલનપુર નજીક આવેલા જગાણા ગામમાં રહે છે. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નજીક, તેમના વિશ્વાસુ ગણાય છે. તેઓનું વ્યક્તિત્વ પણ લો પ્રોફાઈલ રહ્યું છે. ભૂતકાળમાં ક્યારેય તેઓની સામે ભ્રષ્ટાચાર કે કૌભાંડ કર્યાના આક્ષેપો થયા નથી. પરંતુ હવે દેશભરમાં ચકચાર જગાવનારા કૌભાંડમાં તેઓએ બે કરોડની લાંચ લીધાની વિગતો બહાર આવી છે. મોટેભાગે હરીભાઈ પોતાના વિસ્તારમાં રહેતા હોય છે. સોમવારે પણ તેઓ પોતાની ઘરે જ હતા. આક્ષેપોને બદલે ભાજપ સંગઠન અને સરકારમાંથી તેમને ફોનો કરવાના શરૂ થયા હતા. આથી તેઓએ તુરંત પોતાના મોબાઈલ ફોન બંધ કરી દીધા હતા. હરીભાઈ ચૌધરીનો સંપર્ક કરવાનો નિષ્ફળ પ્રયાસ કરનારા આગેવાનોએ નામ જાહેર નહીં કરવાની શરતે જણાવ્યું કે, હરીભાઈ હાલમાં ખૂબ ગભરાયેલા છે. તેઓ ઘર બંધ કરીને બેસી ગયા છે.
તેમના ઘરના લેન્ડલાઇન ફોન પર પણ વાતચીત થઈ શકતી નથી. આજે તેઓ સાથે અમુક નેતાઓ વાતચીત કરવામાં સફળ રહ્યા હતા. જોકે તેઓએ જેમની સાથે વાતચીત કરી હતી તેમાં પોતે નિર્દોષ હોવાનું અને આક્ષેપો ખોટા હોવાનું રટણ જ કર્યું હતું. ફોનનો પ્રવાહ ચાલુ રહેતા જ તેઓએ કોઈને જવાબ આપવો ન પડે તે માટે ફોન બંધ કરી દીધા હતા. ઉપરાંત પોતાના વિશ્વાસુઓ મારફતે એવો મેસેજ વહેતો કરાવ્યો હતો કે હરીભાઈ ઘરે નથી. તેઓ ક્યાં છે તેની કોઈને ખબર નથી. પણ વાસ્તવિકતા એ હતી કે ખરેખર તેઓ પોતાના નિવાસસ્થાને જ હતા. તેમનાં સલામતિ રક્ષકો પણ ઘરની બહાર પહેરો ભરીને ઉભા હતા. જશદણ વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાત પહેલા જ ગુજરાતના ભાજપના નેતાની લાંચમાં સંડોવણી બહાર આવતા રાજકીય સમીકરણો બદલાઈ રહ્યા છે.