બિહાર કોંગ્રેસના કાર્યક્રમમાંથી અલ્પેશ ઠાકોરની થઈ બાદબાકી
ગુજરાતમાં પરપ્રાંતિયો વિરુધ્ધ ઉશ્કેરણીજનક નિવેદનો કરનારા ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને બિહાર કોંગ્રેસ દ્વારા બિહારના પહેલા મુખ્યમંત્રીની જન્મ જ્યંતિની ઉજવણી માટે આમંત્રણ સુધ્ધા આપ્યુ નથી. પરપ્રાંતિયો સામે ગુજરાતમાં થયેલી હિંસામાં અલ્પેશનુ નામ ઉછળ્યા બાદ બિહાર કોંગ્રેસના નેતાઓ તેમનાથી દુર રહેવાનુ પસંદ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અલ્પેશ બિહારમાં કોંગ્રેસના સહ પ્રભારી છે. આમ છતા તેમને 21 ઓક્ટોબરના કાર્યક્રમમાંથી બાકાત કરી દેવામાં આવ્યા છે.
કોંગ્રેસના નેતાઓએ કહ્યુ હતુ કે મહાગઠબંધનમાં સામેલ આરજેડી નેતા તેજસ્વી યાદવ, બિહારના પૂર્વ સીએમ જીતનરામ માંજી, કોંગ્રેસ બિહારના પ્રભાર શક્તિસિંહ ગોહિલ, મીરા કુમાર, શકીલ અહેમદ સહિતના વરિષ્ઠ નેતાઓ પહેલા સીએમ કૃષ્ણદેવ સિંહની જન્મ જયંતિની ઉજવણીમાં સામેલ થશે પણ અલ્પેશ ઠાકોરને આ માટે નિમંત્રણ આપવામાં આવ્યુ નથી. નિમંત્રણ નહી આપવા પાછળના કારણો અંગેના સવાલોથી કોંગ્રેસના નેતાઓ બચતા રહ્યા હતા અને ગુજરાતમાં ભાજપની સરકારને પરપ્રાંતિોય પર થયેલા હુમલા માટે જવાબદાર ઠેરવી હતી.