વિવાદિત નિવેદન મામલે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ સીએમ રૂપાણી સામે કેસ દાખલ કરશે
કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલે મુખ્યપ્રધાન રૂપાણી સામે ક્રિમિનલ કેસ દાખલ કરવાની જાહેરાત કરી છે. હમણાં મુખ્યમંત્રી વિજય રૂપાણી બે દિવસની ઉત્તર પ્રદેશની મુલાકાતે ગયા હતા. તે દરમિયાન યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળ્યા હતા અને તેમને સ્ટેચ્યૂ ઓફ યુનિટિના અનાવરણ કાર્યક્રમમાં હાજર રહેવાનું આમંત્રણ આપ્યું હતું. આ દરમિયાન મીડિયા સાથે વાતચીત કરતા તેમણે અલ્પેશ ઠાકોર અને શક્તિસિંહ ગોહિલનું નામ લીધા વગર તેમના પર આકરા પ્રહારો કર્યા હતા.
એટલું જ નહીં, પરપ્રાંતિયો પર હુમલા પાછળ આ બંને નેતાઓનો હાથ હોવાની પણ વાત કરી હતી. જેથી પુરાવા વગર સીએમે કરેલા આક્ષેપોના કારણે શક્તિસિંહ ગોહિલે ક્રિમિનલ કેસ દાખલ કરવાની વાત કરી છે. તમને જણાવી દઇએ કે, પરપ્રાંતીયો પર થઇ રહેલા હુમલા મુદ્દે CM રૂપાણીએ લખનઉમાં એક નિવેદન આપ્યું હતું. રૂપાણીએ કહ્યું હતુ કે, બિહાર કોંગ્રેસના પ્રભારીએ ષડયંત્ર રચ્યું છે.
આ નિવેદનને લઈને ગોહિલે સીએમ રૂપાણીને બે અઠવાડિયામાં નિવેદન જાહેર કરવાની વાત કરી છે. નહીં તો, હું એમની સામે બદનક્ષીનો કેસ કરીશ તેવી વાત કરી છે. કોંગ્રેસના નેતા તેમજ બિહાર કોંગ્રેસના પ્રભારી શક્તિસિંહ ગોહિલે ટ્વિટ કરીને કહ્યું છે કે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે ક્રિમિનલ અને સિવિલ સ્યૂટ દાખલ કરશે. આ મામલે તેઓ પ્રેસ કોન્ફરન્સ કરીને વધુ માહિતી આપી હતી.
અલ્પેશ ઠાકોરનું નામ લીધા વગર રૂપાણીએ લખનઉમાં પરપ્રાંતિયો પર થયેલા હુમલાઓ અંગે કહ્યું હતું કે, કોંગ્રેસના એક ધારાસભ્યએ હુમલાઓનું કાવતરું રહ્યું હતું. ચાર રાજ્યમાં ચૂંટણી આવી રહી છે, ઉપરાંત સ્ટેચ્યૂ ઓફ યુનિટિનું અનાવરણ થવાનું છે ત્યારે કોંગ્રેસ વિઘ્નો ઉભા કરી રહી છે. પરંતુ ગુજરાત સરકારે કોંગ્રેસના ષડયંત્રને તોડી પાડ્યું હતું.
હાલ ગુજરાતમાં એકદમ શાંતિ છે. સાથે સાથે રૂપાણીએ એવું પણ જણાવ્યું હતું કે ઉશ્કેરણીજનક ભાષણ આપવા બદલ ગુજરાત સરકાર કોંગ્રેસના ધારાસભ્ય સામે કાયદેસરની કાર્યવાહી ધરશે. તો બીજી બાજુ કોંગ્રેસના નેતા શક્તિસિંહનું નામ લીધા વગર તેમના નામનો આડકતરો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, કોંગ્રેસના એક નેતા, કે જેઓ બિહાર કોંગ્રેસના પ્રભારી છે, તેઓ બિહારીઓને રાજ્યમાંથી બહાર કાઢવાની વાત કરી રહ્યા છે.