રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 9 ઑક્ટોબર 2018 (12:03 IST)

નવરાત્રી વેકેશન મુદ્દે સરકારની હાલત હવે સાપે છછુંદર ગળ્યા જેવીઃ વાલીઓ,શિક્ષકો અને સ્કૂલો દ્વારા ઉગ્ર વિરોધ

સરકારે આ વર્ષે યુનિવર્સિટીઓ અને સ્કૂલો-કોલેજોમાં નવરાત્રી વેકેશન જાહેર તો કરી દીધુ છે પરંતુ સરકારની ધારણા ખોટી પડી અને ખાસ કરીને સ્કૂલોમાં નવરાત્રી વેકેશન જાહેર કરવાનો નિર્ણય હવે સરકારને ભારે પડયો છે.કારણકે હાલ રાજ્યભરમાં સ્કૂલો,વાલીઓ અને શિક્ષકોના ઉગ્ર વિરોધને પગલે હવે સરકાર માટે સાપે છુંછુદર ગળ્યા જેવી સ્થિતિ થઈ છે.કારણકે સરકાર હવે વેકેશન  પાછું ખેંચે તો ધાર્મિક લાગણી દુભાઈ અને ચૂંટણી પણ આવી રહી હોઈ સરકારની બદનામી થાય તેમ છે જેથી પાછુ ખેંચી શકે તેમ નથી અને યોગ્ય રીતે અમલ કરાવી શકે તેમ નથી.

ગુજરાત સરકારે  આ વર્ષે એપ્રિલમાં સૌપ્રથમ રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં કોમન એકેડમિક કેલેન્ડર રાખવાનું નક્કી કરીને યુનિવર્સિટીઓ અને કોલેજોમાં ૭ દિવસનું નવરાત્રી વેકેશન આપવાની તેમજ દિવાળીનું વેકેશન ૨૧ને બદલે ૧૪ દિવસ રાખવાની જાહેરાત કરી હતી.યુનિ.-કોલેજોમાં નવરાત્રી વેકેશનની જાહેરાત બાદ અને કોમન એકેડમિક કેલેન્ડર પણ વેકેશન પ્રમાણે યુનિ.ઓને મોકલી દીધાના લગભગ બેથી અઢી મહિના બાદ એટલે કે સ્કૂલોમાં નવુ શૈક્ષણિક સત્ર શરૃ થયાના લગભગ એક મહિના પછી સરકારે સ્કૂલોમાં પણ નવરાત્રી વેકેશન લાગુ કરવાની જાહેરાત કરી દીધી .

સરકારના એક મઁત્રીએ મીડિયામાં સમક્ષ સ્કૂલોમાં પણ નવરાત્રી વેકેશનની જાહેરાત કરતા સરકારે વિધિવત વેકેશનનો પરિપત્ર કર્યો હતો .જેમાં સાત દિવસનું વેકેશન જાહેર કરાયુ હતું પરંતુ સરકારે પરિપત્રમાં સુધારો કરીને સ્કૂલોમાં ૧૦થી૧૮ સુધીનું વેકેશન આપી દીધુ છે.સ્કૂલોમાં નવરાત્રી વેકેશનને લઈને શિક્ષકો-આચાર્યો અને વાલીઓનો ઉગ્ર વિરોધ છે. શિક્ષકો અને સ્કૂલો એ ફરિયાદ કરી રહ્યા છે કે જ્યાં પહેલેથી સરકાર દ્વારા ગુણોત્સવ,પ્રવેશોત્સવ અને મિશન વિદ્યા જેવા સરકારી કાર્યક્રમોને લઈને અભ્યાસક્રમ પુરો થતો નથી અને શિક્ષણના દિવસો ખુટી રહ્યા છે ત્યારે સરકારે નવરાત્રી વેકેશન રાખીને વિદ્યાર્થીઓનું ભણવાનું બગાડયુ છે. જ્યારે વાલીઓની એ ફરિયાદ છે કે સ્કૂલોમાં નવરાત્રી વેકેશનની જરૃર જ નથી.લોકોનું કહેવુ છે કે સરકારે એક બાજુ ૧૨ વાગ્યા પછી લાઉડ સ્પીકર બંધ કરી દેવાનુ જાહેરનામુ કર્યુ છે તો ૧૨ વાગે ગરબા બંધ જ થઈ જતા હોઈ બીજા દિવસે બાળકો સ્કૂલે જઈ શકે તેમ છે ,જેથી નવરાત્રી વેકેશનની કોઈ જ જરૃર નથી.હાલ રાજ્યભરમાં નવરાત્રી વેકેશનને લઈને સરકાર સામે વિરોધ થઈ રહ્યો છે.અનેક સ્કૂલો અને શિક્ષકો દ્વારા સરકારને -શિક્ષણમંત્રીને આ મુદ્દે લેખિત રજૂઆત પણ કરવામા આવી છે.

બીજી બાજુ એક જ રાજ્યમાં ગુજરાત બોર્ડની અને સીબીએસઈ સ્કૂલમા ભણતા ગુજરાતના વિદ્યાર્થીઓ માટે કોમન વેકેશન ન રહેતા પણ અનેક મુંઝવણો થઈ છે.સીબીએસઈ સ્કૂલો અને વાલીઓની રજૂઆત બાદ સરકારે તાજેતરમાં પરિપત્ર કરીને સ્પષ્ટતા કરી છે કે સીબીએસઈ સ્કૂલોને વેકેશન નહી લાગુ નહી પડે .સીબીએસઈ સ્કૂલ માટે મરજીયાત છે.આમ સ્કૂલોમાં નવરાત્રી વેકેશનનને લઈને અનેક મૂંઝવણો, વિવાદો અને વિરોધ વચ્ચે હવે સરકાર માટે સાપે છછુંદર ગળ્યા જેવી સ્થિતિ થઈ છે.સરકાર હવે વેકેશન રદ કરી શકે તેમ નથી અને યોગ્ય રીતે તમામ સ્કૂલોમાં કોમન અમલ પણ કરાવી શકે તેમ નથી.જાણવા મળતી માહિતી મુજબ ગુજરાત બોર્ડની કેટલીક સ્કૂલોના સંચાલકોનું કહેવુ છેકે વિરોધને પગલે સરકારે મૌખીક સૂચના આપી છે કે વેકેશન આપવુ હોય તો આપો પરંતુ ન આપો તો જાહેરાત ન કરતા.