શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 29 ઑગસ્ટ 2020 (11:57 IST)

નર્મદા ડેમનાં 23 દરવાજા ખોલાતા ત્રણ જિલ્લાના નદી કિનારાના ગામો એલર્ટ પર

નર્મદા ડેમની સપાટીમાં છેલ્લા 9 દિવસથી સતત વધારો થતાં હાલ નર્મદા ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં 5 લાખ ક્યુસેક પાણી ઓમકારેશ્વર ડેમમાં છોડવામાં આવ્યું હોવાથી  23 ગેટ ખોલવાની ફરજ પડી છે. 23 ગેટમાંથી 3 લાખ 65 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડાય રહ્યું છે. ત્યારે નર્મદા ડેમની જળ સપાટી 131.25 મીટર પર પહોંચી છે. સતત વધતી જળ સપાટીને કારણે વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના નદી કિનારાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. નર્મદા ડેમની જળસપાટીમાં થોડા દિવસથી સતત વધારો થઈ રહ્યો છે, બીજી તરફ ઉપરવાસમાંથી પણ પાણી છોડાઈ રહ્યું છે. એવામાં રિવરબેડ પાવરહાઉસના પાંચ ટર્બાઈનો શરૂ કરવામાં આવ્યા હતા. સાથે જ ડેમમાંથી પાણી છોડાતા નદી ફરી બંને કાઠે વહેતી થઈ હતી. જેના પગલે ગરુડેશ્વર વિયર કમ કોઝવે છલકાઈ ગયો હતો. આ બાદ નર્મદાના નદી કાંઠાના ગામમાં રહેતા લોકોને સાવધાન કરવામાં આવ્યા હતા. નર્મદા નદીમાં પાણી છોડાતા તીર્થધામ ચાંદોદના ઐતિહાસિક મલ્હારરાવ ઘાટના 40 પગથીયા પાણીમાં ગરકાવ થયા છે. ડેમમાં પાણીની સારી એવી આવક થતા વર્ષ દરમિયાન ગુજરાતને તેમાંથી પૂરતું પાણી મળતું રહેશે અને ખેડૂતો પણ અન્ય સીઝનમાં સારો એવો પાક લઈ શકશે