પીડીપીયુના કોન્વોકેશનમાં મુકેશ અંબાણીએ ગૃહ મંત્રી અમિત શાહની સરદાર સાથે તુલના કરી
પીડીપીયુના ચેરમેન અને રિલાન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, ‘અમિતભાઇ, તમે એક સાચા કર્મયોગી છો. તમે એક લોખંડી પુરુષ છો. તમારામાં રહેલી ઊર્જા અને લક્ષ્ય વિસ્મય પમાડે તેવા છે. ગુજરાત અને હવે ભારતનું સૌભાગ્ય છે કે તમારા જેવા પ્રેરણાદાયી નેતૃત્વનો લાભ મળ્યો છે.’ આ તબક્કે તેમણે ગુજરાતમાં વિવિધ પ્રકારની પહેલ અને શૈક્ષણિક સંસ્થાઓ ઊભી કરવાની પહેલ કરનાર નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વને પણ યાદ કર્યું હતું.
મુકેશભાઇએ આ તબક્કે ઉત્તિર્ણ થનાર ૧૦૦૦થી વધારે વિદ્યાર્થીઓને નવા જીવનની શુભેચ્છાઓ પાઠવતા એક શિખ આપી હતી કે, ‘લક્ષ્ય હંમેશા મોટા રાખજો. તો એને હાંસલ કરવાની તમને ઇચ્છા થશે. બીજું કે હંમેશા તમારા પરિવાર, વડીલ વિશેષ કરીને માતા-પિતાના યોગદાનને ભૂલશો નહીં. એમના આશીર્વાદના લીધે આજે તમે આ મૂકામ પર પહોંચ્યા છો અને ભવિષ્યમાં આગળ વધશો.’
તેમણે વિદ્યાર્થીઓને ચાર મહત્ત્વના મુદ્દા હંમેશા ધ્યાને રાખવાની સલાહ આપતા કહ્યું કે, તમારા જીવનની મહત્ત્વાકાંક્ષાઓ નીચી ન રાખશો, ક્યારેય મોટા સપના જોતા અચકાશો નહીં, પ્રત્યેક દિવસને શ્રેષ્ઠ બનાવવાના પ્રયાસો ઓછા કરશો નહીં અને હંમેશા સારા માનવી બનવા પ્રયાસ કરજો, હંમેશ શ્રેષ્ઠ ભારત-શ્રેષ્ઠ વિશ્વ જ તમારા માટે સારી તકો પૂરી પાડશે જેના થકી તમે તમારી મહત્વકાંક્ષા અને સપનાઓને પૂરાં કરી શકશો.
આ તબક્કે મુકેશભાઇએ વડાપ્રધાન મોદીના ફાઇવ ટ્રીલિયન ઇકોનોમીના સપનાને સાકાર કરવાના સામૂહિક પ્રયાસોની વાત રજૂ કરી હતી. તેમણે ભારતમાં જ વિપુલ તકો ઉપલબ્ધ હોવાનો ઉલ્લેખ કરી કહ્યું કે, તકોને વાસ્તવિક્તામાં બદલવા માટે હવે નવી ટેકનોલોજીની ઉપલબ્ધતા મહત્વની છે. ભારત આ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે.
ભારત ડિજિટલાઇઝેશન ક્ષેત્રે નવી ઊંચાઇઓ તરફ આગળ વધી રહ્યું છે. 24 મહિનામાં મોબાઇલ ડેટામાં ૧૫૫મા ક્રમેથી વિશ્વમાં હવે પ્રથમ ક્રમે ભારત આવી ગયું છે. આગામી 24 મહિનામાં ચોથી ઔદ્યોગિક ક્રાંતિના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇન્ટરનેટ ઓફ થિંકિંગ, બ્લોકચેઇન, ક્લાઉડ કમ્પ્યુટીંગ અને અન્ય ટેકનોલોજી ક્ષેત્રે પ્રથમ ક્રમે પહોંચી જશે. આ ટેકનોલોજી ખેડૂતોની આવક બમણી કરવા, નાના વેપારીઓ, ઉદ્યોગ સાહસિકો, ગામો અને શહેરોને વધારે સ્માર્ટ બનાવશે.