એન્ટિલિયાની સુરક્ષા વધારવામાં આવી - મુકેશ અંબાણીના ઘરનું સરનામું પૂછતા 2 શંકાસ્પદ, ટેક્સી ડ્રાઈવરે પોલીસને જાણ કરી
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના મુંબઈના ઘર એન્ટિલિયામાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. સોમવારે બે શકાસ્પદ લોકોએ એન્ટિલિયાના સરનામાની પૂછપરછ કર્યા બાદ આ પગલું ભરવામાં આવ્યું છે.
શંકાસ્પદોએ જે ટેક્સી ડ્રાઈવરને અંબાણીના ઘરનું સરનામું પૂછ્યું હતું, તેણે પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરીને તેની માહિતી આપી. ડ્રાઈવરનું કહેવું છે કે બંને ઉર્દૂમાં વાત કરી રહ્યા હતા.
ટેક્સી ડ્રાઈવરે પોલીસને જણાવ્યું કે શંકાસ્પદ લોકોના હાથમાં બેગ પણ હતી. હાલ DCP રેન્કના અધિકારી ડ્રાઈવરની પૂછપરછ કરી રહ્યા છે. પોલીસ CCTV ફૂટેજ પણ ચકાસી રહી છે. શકમંદોની માહિતી મળ્યા બાદ મુંબઈ પોલીસે એન્ટિલિયાની સુરક્ષા વધારી દીધી છે. પોલીસે ટેક્સી ડ્રાઈવરનું નિવેદન નોંધ્યું છે. આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
કારનો નંબર પણ પોલીસને જણાવ્યો
સૂત્રોના જણાવ્યા અનુસાર ટેક્સી ડ્રાઈવરે પોલીસને કારનો નંબર પણ આપ્યો છે. પોલીસ આરટીઓ દ્વારા કારનો નંબર શોધી રહી છે. જો કે, નંબરની માહિતી ઉપલબ્ધ નથી.
બંને ઉર્દુમાં કરી રહ્યા હતા વાત
ટેક્સી ડ્રાઈવરે મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમને ફોન પર જણાવ્યું કે કિલ્લાના કોર્ટની સામે એક દાઢીવાળા માણસે તેને એન્ટિલિયાનું સરનામું પૂછ્યું. તે સિલ્વર રંગની વેગન આર કારમાં સવાર હતો. તેની મોટી દાઢી હતી અને તેની સાથે અન્ય એક વ્યક્તિ પણ હતી. બંને ઉર્દૂમાં વાત કરી રહ્યા હતા. તેમની પાસે બેગ હતી. પોલીસે વિસ્તારના સીસીટીવી ફૂટેજ મંગાવ્યા છે. ચારે બાજુ નાકાબંધી કરી દેવામાં આવી છે.