ગાંધીનગરમાં 200થી વધુ LRD પુરૂષ ઉમેદવારોએ ધરણાં કર્યાં, પોલીસે ટીંગાટોળી કરીને અટકાયત કરી
ગુજરાતમાં લોક રક્ષક ભરતી વિવાદને લઈ યુવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકડાઉન દરમિયાન સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી એલઆરડીમાં મહિલાઓની જેમ સમાન મેરિટથી પુરૂષ ઉમેદવારોની જગ્યાઓમાં પણ વધારો કરવાની માંગણી કરી રહેલા 200 જેટલા યુવાનો આજે ગાંધીનગરમાં એકત્ર થયા હતા અને હલ્લાબોલ કર્યો હતો.
આજે ગાંધીનગરમાં 200થી વધુ LRD ઉમેદવારો ધરણાં પર બેસી ગયા હતા. જેમાથી કેટલાક યુવકોની પોલીસે અટકાયત કરી હતી. એલઆરડીના 200 જેટલા ઉમેદવારો ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે ધરણાં પર બેસી ગયા હતા અને અનેક રજૂઆતો છતાં ઉકેલ ન આવતા ધરણાં કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. પોલીસે વિરોધ કરી રહેલા ઉમેદવારોની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી. LRD ભરતીમાં જે પ્રમાણે મહિલાઓની જગ્યા વધારવામાં આવી છે તે જ પ્રમાણે પુરૂષ ઉમેદવારોની જગ્યા પણ વધારવામાં આવે. 80 માકર્સથી વધુ મેરિટ ધરાવતા તમામ પુરૂષોને સમાવી લેવાય એ એક જ માંગણી છે. ઉમેદવારોનું કહેવું છે કે પોલીસ બોર્ડે ભરતી માટે બે વર્ષ જેટલો સમય પસાર કર્યો છે. તેમછતાં પેપર લીક થઇ જતાં સમગ્ર પરીક્ષા રદ કરવી પડે છે. આ વર્ષે સરકારે ભરતી કરવાનું જાહેર કર્યું છે ત્યારે જેઓ બે-ત્રણ વર્ષથી મહેનત કરીને પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી ચૂક્યા છે તેવા કટ ઓફ મેરિટથી નજીકના ઉમેદવારોને સમાવવા મહિલા ઉમેદવારોના સપ્રમાણમાં પુરૂષોની જગ્યા વધારવામાં આવે તેવી રજૂઆત છે.