રવિવાર, 24 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 7 જૂન 2023 (13:59 IST)

સુરતમાં માતાનું કોરોનાથી મોત થયું, પિતાએ આપઘાત કરી લીઘો,પોલીસે બાળકીના હાથે પિતાના અંતિમ સંસ્કાર કરાવ્યા

Mother died of corona in Surat, father committed suicide
સુરતમાં માતાનું કોરોનામાં થયેલા અવસાન બાદ બે દિવસ અગાઉ પિતાએ પણ આંબાના ઝાડ પર દોરી વડે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટનાથી છ વર્ષની દીકરી નિરાધાર થઈ ગઈ હતી. જો કે, માતા-પિતાની છત્રછાયા ગુમાવનારી છ વર્ષની માસૂમ દીકરીનો પરિવાર પોલીસ બનીને રાખી રહ્યો છે. દીકરીની સમગ્ર જવાબદારી ઉઠાવનારી સરથાણા પોલીસે માસૂમ દીકરીના હાથે તેના પિતાના અગ્નિસંસ્કાર કરાવીને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. જ્યારે દીકરાને સુરતના જ એક દંપતીએ દત્તક લીધો છે.

સરથાણા પોલીસના જણાવ્યા પ્રમાણે ગત રોજ આ બાળકીના નાના ભાઈને દત્તક લેનાર દંપતી આવ્યું હતું. તેની હાજરીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. હાલ તો આ દંપતી બાળકીની પણ જવાબદારી લેવાનું કહી પરત થયું છે. પોલીસ બાળકીની સંભાળ રાખી રહ્યું છે. જ્યારે વધુ એક દંપતી બાળકીની જવાબદારી લેવા સરથાણા પોલીસમાં આવ્યું છે. જો કે પોલીસે તમામ બાબતે બધી કાર્યવાહી બાદ બાળકીને સોંપશે. પુણા-સારોલી બીઆરટીએસ જંક્શનથી વનમાળી જંક્શન વચ્ચે નહેરની બાજુમાં આંબાના ઝાડ સાથે ફાંસો ખાધેલી હાલતમાં એક વ્યક્તિની લાશ લટકી રહી હતી. મોર્નિંગ વોકમાં નીકળેલા લોકોએ આ દૃશ્ય જોઈ શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ કરી વિગત આપી હતી કે, આંબાના ઝાડ સાથે ફાંસો ખાધેલી હાલતમાં એક વ્યક્તિની લાશ લટકી રહી છે અને લાશ પાસે એક બાળકી ઊભી છે, જે સતત રડી રહી છે. બાળકીની ઉંમર ફક્ત છ વર્ષની હોવાની માહિતી મળ્યા બાદ પોલીસ કંટ્રોલ રૂમમાંથી તાત્કાલિક સરથાણા પોલીસની પીસીઆર વાન ઘટનાસ્થળે દોડાવાઈ હતી. ત્યારબાદ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે કરેલી તપાસમાં માસૂમ બાળકીએ પોતાનું નામ નેન્સી અને ઝાડ સાથે લટકી રહેલી લાશ તેના પિતા ધર્મેન્દ્ર વ્રજલાલ રાઠોડની હોવાનું જણાવ્યું હતું. આગળ નેન્સી પાસેથી વધુ માહિતી જાણ્યા બાદ પોલીસના માણસો અને ત્યાં હાજર લોકો ભારે આઘાત પામ્યા હતા. 6 વર્ષની નિરાધાર બાળકીના પરિવારમાંથી કોઈ નથી. જેથી સરથાણા પોલીસ સ્ટેશનનો સ્ટાફ બાળકીનો હાલ પરિવાર બની ગયો છે. બાળકીની તમામ જવાબદારી પોલીસ સ્ટેશનના કર્મચારીઓ ઉઠાવી રહ્યા છે. પોલીસ ઈન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે, અમે આ બાળકીના શિક્ષણની પણ તમામ જવાબાદારી ઉઠાવવાના છીએ. જો કે, આજે આ બાળકીનો ખરેખર પરિવાર અને પરિવારના મોભીના સ્વરૂપે પોલીસ કર્મચારીઓ જોવા મળ્યા હતા. પોલીસે બાળકીના હાથે તેના પિતાના અંતિમસંસ્કાર કરાવ્યા હતા. માસૂમ બાળકીને સાથે લઈ જઈને સ્મશાન ભૂમિમાં અગ્નિદાહ અપાવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, મૃતક ધર્મેન્દ્ર ભાવનગરનો વતની હતો. શનિવારે વતનથી પરત ફર્યા બાદ પુણા-સારોલી બીઆરટીએસ જંક્શનથી વનમાળી જંક્શન વચ્ચે રોકાયો હતો. ત્યારબાદ રાત્રિ દરમિયાન નેન્સી ઊંઘી જતાં તેણે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું લીધું હતું. નેન્સીએ કોરોનામાં માતાનું પણ અવસાન થઈ ચૂક્યું હોવાનું કહ્યું હતું. નેન્સી માતા-પિતા સિવાય પોતાના કે પરિવારના અન્ય સભ્યો વિશે વધુ કાંઈ જાણતી નથી. મૃતક ધર્મેન્દ્ર પાસેથી મળેલા આધારકાર્ડમાં તેનું લંબે હનુમાન રોડ સ્થિત રેણુકા ભવનનું સરનામું મળી આવ્યું છે. માતાના મોત બાદ પિતાએ આપઘાત કરી લેતાં આ દીકરી તદ્દન નોધારી થઈ જતાં પોલીસ પણ બેઘડી વિચારતી થઈ ગઈ હતી. માતા-પિતાનાં મૃત્યુ બાદ હવે માસૂમ નેન્સીનું શું થશે? એવી ચર્ચા ઘટનાસ્થળે હાજર લોકોમાં થવા સાથે આઘાતની લાગણી જોવા મળી હતી.