બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 29 મે 2020 (12:27 IST)

અમદાવાદમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોના 197 ડોક્ટર કોરોનાગ્રસ્ત આવતાં હડકંપ

એક તરફ કોરોનાના ખતરા વચ્ચે આરોગ્યના કર્મચારીઓ જીવના જોખમે સેવા કરી રહ્યાં છે. ત્યારે દર્દીઓની સેવા કરતાં કોરોના વોરિયર્સ એવા ડોક્ટરો જ હવે કોરોનાની ચપેટમાં આવી રહ્યાં છે. રાજયની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોના કુલ 197 ડોક્ટરો કોરોનાગ્રસ્ત થયા છે. અમદાવાદમાં ખાનગી અને સરકારી હોસ્પિટલના 197થી વધારે ડોક્ટર કોરોના પોઝિટિવ આવતા હડકંપ મચી ગયો છે. જેમાં સૌથી વધુ અમદાવાદની સિવિલ હોસ્પિટલના ડોક્ટરોને કોરોના પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત સોલા સિવિલ તેમજ એલજી હોસ્પિટલમાં સેવા આપતા ડોક્ટરો પણ કોરોનાગ્રસ્ત થયાં છે અને મોટા પ્રમાણમાં રેસિડેન્ટ ડોક્ટરો કોરોના ગ્રસ્ત થયાં છે. ખાનગી પ્રેક્ટિસ કરતા 38 ડોક્ટર કોરોનાના સંક્રમણમાં આવેલા છે. તો સરકારી હોસ્પિટલના 150 વધારે તબીબોને કોરોનાની અસર થઈ છે. 
 
સરકારી હોસ્પિટલમાં જેટલા તબીબો કોરોના પોઝિટિવ આવ્યા છે તે તમામ ડોક્ટરમાં જુનિયર અને રેસિડન્સ ડોક્ટરનો સમાવેશ થાય છે. ત્યારે સિનિયર ડોક્ટર કોરોના વોર્ડમાં જતા ન હોવાના આક્ષેપો થયા છે. સિનીયર ડોક્ટરો કોરોનાના દર્દીઓને કોઇ તકલીફ હોય તો માત્ર ફોન પર સલાહ સૂચન અને દવા અંગેનું માર્ગદર્શન આપે છે. જુનિયર અને રેસિડેન્ટ ડોક્ટરના કોરોના પોઝીટીવ હોવાથી તેમના પરિવારના સભ્યો પણ કોરોના સંક્રમિત થયા છે. રેસિડન્ટ ડોક્ટરોના માતા-પિતા, પત્ની અને માસુમ બાળકોના પોઝિટિવ થવાના કિસ્સા પણ સામે આવ્યા છે.  
 
અત્રે ઉલ્લેખનીય છે ગુરૂવારે રાજ્યમાં નોંધાયેલા 367 નવા કોરોના પોઝિટિવ કેસમાંથી સૌથી વધુ કેસ અમદાવાદમાં 247 કેસ, સુરતમાં 44, વડોદરામાં 33, મહીસાગરમાં 8, કચ્છમાં 7, રાજકોટમાં 7, ગાંધીનગરમાં 4, આણંદ – પંચમહાલમાં 2-2, ખેડા- અરવલ્લી – બનાસકાંઠા – બોટાદ – છોટા ઉદેપુર – ગીર સોમનાથ – જુનાગઢ – મહેસાણા – મોરબી – નવસારી – પાટણ – સુરેન્દ્રનગર અને વલસાડ ખાતે 1-1- કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
 
અમદાવાદમાં 256 નવા કેસ, સંક્રમિતોની સંખ્યા 11,000ને પાર
ગુરૂવારે રાજ્યમાં નોંધાયેલા 376 નવા કોરોના પોઝિટિવ કેસમાંથી સૌથી વધુ કેસ અમદાવાદમાં 256 કેસ, સુરતમાં 34, વડોદરામાં 29, મહીસાગરમાં 14, વલસાડમાં 10, સુરેન્દ્ર નગરમાં 6, ગાંધીનગરમાં 5, નવસારીમાં 4, રાજકોટમાં 3, આણંદ- પાટણ અને કચ્છ ખાતે 2-2, ભાવનગર, મહેસાણા, પંચમહાલ, બોટાદ, છોટા ઉદેપુર, પોરબંદર અને અમરેલી ખાતે 1-1 નવા કેસ નોંધાયા છે. 
 
23 દર્દીના મોત, કુલ મૃત્યુઆંક 938 
રાજ્યમાં કોરોનાથી કુલ 23 દર્દીના મરણ થયા છે. જેમાં અમદાવાદ ખાતે 19, સુરતમાં 2 તેમજ મહીસાગર અને વડોદરા ખાતે 1-1 દર્દીનું મોત થયુ છે. આમ રાજ્યમા કોરોનાનો કુલ મૃત્યુઆંક 938 પહોંચી ગયો છે.