સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 26 જુલાઈ 2017 (13:14 IST)

VIDEO-બનાસકાંઠામાં ચોમેર આકાશી તબાહીઃ 46 હજાર લોકોનું સ્થળાંતર, આર્મી અને એનડીઆરએફ ખડેપગે

બનાસકાંઠા જિલ્લામાં ખાબકેલા ભારે વરસાદના કારણે ચોમેર તબાહી જોવા મળી રહી છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે હાથ ધરાયેલી રાહત અને બચાવની કામગીરી થઈ રહી છે. તંત્ર દ્વારા અત્યાર સુધીમાં 1300થી વધુ લોકોને રેસ્ક્યૂ કરીને બચાવી લેવાયા છે. તો 46 હજારથી પણ વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. 
હજુ પણ એટલા જ લોકો પાણી વચ્ચે ઝઝૂમી રહ્યાં  છે. સૌથી વિકટ સ્થિત ધાનેરાની છે. અહીં હજુ પણ 2થી 3 ફૂટ પાણી દોડી રહ્યા છે. જેના કારણે લોકોને પીવાના પાણી અને ભોજન માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો બનાસકાંઠામાં 6 સહિત ઉ ગુજ.માં કુલ 13 વ્યક્તિઓના મૃત્યુ થયા છે. તો હજારો પશુના મોતની આશંકા વ્યક્ત કરાઇ રહી છે.
 તંત્રની અગ્રતા હાલના તબક્કે લોકોને બચાવવાની છે. બનાસકાંઠા જિલ્લામાં વરસાદના ત્રીજા દિવસે પણ સમગ્ર જિલ્લો જળમગ્ન છે. અનેક ગામો સંપર્ક વિહોણા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા શહેરી વિકાસ રાજ્યમંત્રી શંકર ચૌધરીએ પાલનપુર ખાતે કલેકટર સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે પુરગ્રસ્ત વિસ્તારોમાં ચાલી રહેલ રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી. લોકોને જરૂરી તમામ સહાય તાકીદે પુરી પાડવા મંત્રીએ અધિકારીઓને જણાવ્યું હતું. 
જિલ્લાના પુરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને બચાવી લેવા માટે કલેકટર દિલીપ રાણાની સુચના અને માર્ગદર્શન અનુસાર મોટાપાયે રાહત અને બચાવની કામગીરી ચાલી રહી છે.સ્થળાંતર કરાયેલા લોકોને રહેવા, જમવા સહિત તમામ સુવિધાઓ વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવે છે. 

 
જોકે જિલ્લાના અનેક સ્થળોમાં માર્ગો ક્ષતિગ્રસ્તી હોવાથી તંત્ર દ્વારા બચાવ કામગીરીમાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. પણ જિલ્લામાં મોટાભાગના તાલુકાઓ અંધારપટમાં છે. 
તેમને જીવવા માટે પ્રાથમિક ચીજવસ્તુઓ મળી રહે તેવી વ્યવસ્થા કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પુરગ્રસ્ત વિસ્તારોમાં હેલીકોપ્ટરો મારફત 1,46,000 ફુડ પેકેટસ અને પાણીના પાઉચનું વિતરણ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, પુરથી અસરગ્રસ્ત લોકો માટે વડોદરા, કપડવંજ, આણંદ, અમદાવાદ અને મહેસાણાથી પણ ફુડપેકેટ આવી રહ્યા છે.