Monsoon Gujarat - આગામી 72 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં આગામી 72 કલાક દરમિયાન વરસાદ ચાલુ રહેવાની આગાહી કરવામાં આવી છે. નૈઋત્યનું ચોમાસું આગળ વધી રહ્યું છે, જેથી દક્ષિણ ગુજરાત ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા પાંચ દિવસથી છુટોછવાયો વરસાદ ચાલુ રહ્યો છે. જોકે હવે મધ્યગુજરાતને પણ આવરી લેશે. સેટેલાઈટ ઈમેજ પરથી સ્પષ્ટ થાય છે કે ગુજરાત પર દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે.
અમદાવાદમાં સામાન્ય છાટા પડ્યા પછી જોઈએ તેવો વરસાદ થયો નથી. છેલ્લા બે દિવસથી ભારે બફારાનું વાતાવરણ રહ્યું છે. શહેરીજનો પણ અકળાઈ ઉઠ્યા છે. અમદાવાદમાં સોમવારે મહત્તમ તાપમાન 39.8 ડિગ્રી નોંધાયું હતું, તેમજ લઘુત્તમ તાપમાન 27.2 ડિગ્રી રહ્યું હતું. સુરતમાં મહત્તમ તાપમાન 35.8 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 27.1 ડિગ્રી નોંધાયું હતું. વડોદરામાં મહત્તમ તાપમાન 37.4 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 23.6 ડિગ્રી અને રાજકોટમાં મહત્તમ તાપમાન 38.8 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26.5 ડિગ્રી રહ્યું હતું.
હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, દાદરા નગર હવેલી, દીવમાં ભારેથી અતિભારે વરસાદની શકયતાઓ છે.