ગુજરાતમાં નબળી પડેલી વરસાદી સિસ્ટમ ફરી સક્રિય થવાની હવામાન વિભાગે આગાહી કરી
રાજ્યભરમાં છેલ્લા સપ્તાહથી વરસાદી સિસ્ટમ નબળી પડતાં વરસાદ ખેંચાયો છે અને વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમી અને બાફનું પ્રમાણ વધતાં ભર ચોમાસામાં ગરમી અનુભવાઈ રહીં છે. નબળી પડેલી વરસાદી સિસ્ટમ આગામી છઠ્ઠી ઓગસ્ટથી રાજ્યભરમાં સક્રિય થવાની હવામાન વિભાગે આગાહી કરી છે અને ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. ખાસ કરીને અમદાવાદ, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં વરસાદ ઓછો પડયો છે જેને લઈ ચિંતાનું મોજું છે. શુક્રવારે રાત્રે અમદાવાદમાં હળવાં વરસાદી ઝાપટાં પડયાં હતાં. આગાહી મુજબ, આવતા સપ્તાહમાં આ વરસાદની ઘટ પૂરી થવા ઉપરાંત સારો વરસાદ પડશે.
છઠ્ઠી ઓગસ્ટથી રાજ્યમાં પુનઃ મેઘરાજાની સવારી આવી પહોંચશે અને ભારેથી અતિભારે વરસાદ પડશે. શુક્રવારે સુરત, આણંદ, ભરૂચ અને ભાવનગરમાં વરસાદી ઝાપટાં પડયાં હતાં. બીજી તરફ અસહ્ય બાફથી લોકો અકળાઈ ઊઠયા હતા. વરસાદ ખેંચાતાં ખેડૂતોમાં ભારે ઉચાટ જોવા મળી રહ્યો છે કારણ કે, મોંઘા દવા અને ખાતર સાથે વાવણી કરેલી પાક મુરઝાઈ જવાની અણી ઉપર આવી પહોંચ્યો છે. શુક્રવારે રાત્રે સાડા આઠ વાગ્યાની આસપાસ શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડયાં હતાં. લાલ દરવાજા, દરિયાપુર, સરસપુર, માણેકબાગ, નહેરૂનગર અને આસ્ટોડિયા સહિતના અન્ય વિસ્તારોમાં ઝાપટાં પડતાં ઠંડક પ્રસરી હતી.