રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 11 ઑક્ટોબર 2018 (11:59 IST)

ગુજરાતમાં રૂપાણી સરકારની નિષ્ફળતા મામલે મોદીએ કરી સૂચક ટિપ્પણી

ગુજરાતમાં અન્ય રાજ્યોના શ્રમિકો સાથે હિંસાના મામલામાં વડાપ્રધાન મોદીએ ઈશારાઓમાં પોતાની વાત રજૂ કરી છે. બુધવારે પાર્ટીના કાર્યકર્તાઓ સાથે વાતચીત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યુ છે કે ખુશીઓ એકબીજાને વહેંચવાથી વધે છે. વડાપ્રધાન મોદીની આ ટીપ્પણી પરપ્રાંતીય શ્રમિકો સામેની ઘટનાઓ સામે ઝઝૂમી રહેલા ગુજરાત માટે મહત્વનો સંદેશો છે. આ ટીપ્પણી દ્વારા વડાપ્રધાન મોદીએ ગુજરાતના લોકોને અન્ય રાજ્યોના લોકો પ્રત્યે સંવેદનશીલ વલણ અપનાવવાનો મેસેજ પણ આપ્યો છે. તેની સાથે જ તેમણે કોંગ્રેસ પર ભાગલા પાડો અને રાજ કરોનની નીતિ અપનાવવાનો આરોપ પણ લગાવ્યો છે.
નમો એપ દ્વારા પાંચ લોકસભા બેઠકો રાયપુર, મૈસૂર, દમોહ, કરૌલી-ધૌલપુર, આગ્રાના ભાજપના બૂથ કાર્યકર્તાઓ સાથે વાતચીત દરમિયાન તેમણે આના સંદર્ભે વાતચીત કરી છે. વડાપ્રધાન મોદીએ કહ્યુ હતુ કે સમાજમાં કોઈ વિભાજન થવું જોઈએ નહીં. કોંગ્રેસ લાંબા સમયથી ભાગલા પાડો અને રાજ કરોની નીતિ પર ચાલી રહી છે. કોંગ્રેસ પર માત્ર એક પરિવારના હિતો માટે સમાજને વિભાજીત કરવાનો વડાપ્રધાન મોદીએ આરોપ લગાવ્યો છે. વડાપ્રધાન મોદીએ કહ્યુ હતુ કે ભાજપ સૌના કલ્યાણ અને સમાજની એકતામાં વિશ્વાસ ધરાવે છે.
મહત્વપૂર્ણ છે કે ગુજરાતમાં બિહાર અને યુપીના શ્રમિકો વિરુદ્ધ હિંસાને કારણે હજારો લોકો પોતાના રાજ્યો તરફ પલાયન કરી રહ્યા છે. ભાજપે કોંગ્રેસના નેતા અલ્પેશ ઠાકોર પર હિંસા ભડકાવવાનો આરોપ લગાવ્યો છે. વડાપ્રધાન મોદીએ કહ્યુ છે કે તેઓ સમાજમાં નફરત ફેલાવવા અને ભાગલા પાડવાનું કામ કરતા નથી. તેમનો મંત્ર સૌનો સાથ અને સૌનો વિકાસ છે. પરંતુ કોંગ્રેસ સમાજને વિભાજીત કરીને નફરત ફેલાવીને ખુદને મજબૂત કરવા ચાહે છે.
દમોહના એક બીજેપી વર્કરના સવાલના જવાબમાં વડાપ્રધાન મોદીએ સૂચક ટીપ્પણી કરી હતી. આંધ્રપ્રદેશ અને તેલંગાણાના વિભાજનમાં હિંસાને લઈને વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસે એક જ ભાષા બોલનારા લોકોને એકબીજા સામે ઉભા કર્યા હતા. તેમણે કહ્યું હતું કે અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન હતા. ત્યારે ત્રણ રાજ્યોની શાંતિપૂર્ણ રીતે રચના થઈ હતી. પરંતુ કોંગ્રેસે આંધ્રપ્રદેશનું એવી રીતે વિભાજન કરાવ્યું કે તેનાથી બંને રાજ્યો મુશ્કેલીમાં મૂકાયા હતા. વડાપ્રધાન મોદીએ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ પર શાબ્દિક હુમલો કરતા કહ્યુ હતુ કે નહેરુ ભારતને મદારીઓનો દેશ કહેતા હતા. આમ કરીને નહેરુ ભારતની સંસ્કૃતિથી બચતા હતા.