લઠ્ઠાકાંડના મૃતકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મિથાઈલ આલ્કોહોલ સામે આવ્યો, CM અને ગૃહમંત્રીએ તાબડતોબ બેઠક બોલાવી
બોટાદ જિલ્લાના બરવાળાના રોજિદ ગામે ઝેરી દારૂ પીવાથી 24 લોકોનાં મોત થયા છે. 30 વધારે વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ છે. આ લઠ્ઠાકાંડ મામલે નવો ઘટસ્ફોટ થયો છે. મૃતકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પ્રાથમિક દ્રષ્ટિએ મિથાઈલ આલ્કોહોલ હોવાનું સામે આવ્યું છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં ડીજીપી આશિષ ભાટિયા, એડીજીપી નરસિમ્હા કોમર, નીરજા ગોટરૂ હાજર રહ્યાં હતા.આ લઠ્ઠાકાંડના પાટનગર સુધી પડઘા પડ્યા છે. આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોલીસવડા સાથે વાતચીત કરી હતી. ત્યાર બાદ મુખ્યમંત્રીએ સઘન તપાસના આદેશ આપ્યા છે. માત્ર એટલું જ નહીં, બરવાળાના ASI આસમીબાનુની હેડક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી છે.એફએસએલ (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)એ ઝેરી દારૂમાં કયા કેમિકલનો કેટલો ઉપયોગ થયો હતો એ અંગે તપાસ શરૂ કરી છે. તેની વિગતો પણ મંગળવાર સુધીમાં સામે આવશે એવું મનાઈ રહ્યું છે.એટીએસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમદાવાદમાંથી કેમિકલ સપ્લાય થયું હતું. બરવાળાના ચોકડી ગામે સપ્લાય થયેલા કેમિકલમાંથી પિન્ટુ નામના વ્યક્તિએ લઠ્ઠો તૈયાર કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ત્યારબાદ આ લઠ્ઠો બરવાળાના રોજીદ, ચંદરવા, દેવજ્ઞા તથા અમદાવાદ ગ્રામ્યના આકરુ અને ઉછડી સહિતના ગામોમાં સપ્લાય કર્યો હતો. બીજી તરફ હજુ પણ એટીએસ દ્વારા કેમિકલ સપ્લાયથી માંડી લઠ્ઠો બનાવવા સુધી અને કયા કયા બુટલેગરોને આ લઠ્ઠો વેચવામાં આવ્યો હતો તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. સ્ટેટ મોનિટરિંગ સેલ અને અમદાવાદ ક્રાઇમ બ્રાંચને પણ લઠ્ઠાકાંડની તપાસ કરવાના આદેશ આપ્યા છે. મંગળવારથી સમગ્ર રાજ્યમાં દેશી દારૂના અડ્ડાઓ પર દરોડા પાડવા માટે પણ રાજ્ય સરકારે આદેશ જારી કર્યા છે.