ગુજરાત પાસેથી હાલ એક વરસાદી સિસ્ટમ પસાર થઈ રહી છે અને તેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ પણ પેદા થઈ છે.
ભરૂચ અને અંકલેશ્વરના વિસ્તારોમાં પૂરના પાણી ઓસરવા લાગ્યા છે પરંતુ ભારે નુકસાન થયું છે.
બંગાળની ખાડીમાં બનેલી આ સિસ્ટમ મજબૂત થઈને આગળ વધી હતી અને ઓડિશાથી લઈને ગુજરાત સુધી તેના માર્ગમાં આવતા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થયો હતો.
આ સિસ્ટમ હજી ગુજરાત પાસેથી આગળ વધી રહી છે એ સમયે બંગાળની ખાડીમાં બીજી સિસ્ટમ પણ સર્જાઈ રહી છે.
હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર બંગાળની ખાડીમાં હાલ સાયક્લૉનિક સર્ક્યુલેશન બની ગયું હતું અને હવે તે લો-પ્રેશર એરિયામાં ફેરવાઈ જશે.
આ સિસ્ટમ લો-પ્રેશર એરિયા બન્યા બાદ આગળ વધશે અને ફરી મધ્ય ભારતથી લઈને બીજા વિસ્તારોમાં વરસાદ વરસાવે તેવી શક્યતા જણાઈ રહી છે.
હવામાન વિભાગે શું આગાહી કરી?
હવામાન વિભાગે 20 સપ્ટેમ્બર માટે દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
આ સિવાય સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં તથા દાદરા નગર હવેલી અને દમણમાં પણ આજે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
હવામાન વિભાગની ગઇકાલે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી હતી. તે અનુસાર ડીસામાં સૌથી વધુ 107.1 મીમી વરસાદ નોંધાયો હતો. આ સિવાય કચ્છના પણ અનેક વિસ્તારોમાં સરેરાશ ચાર ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
ગાંધીનગર, અમદાવાદ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં અનેક વિસ્તારોમાં છેલ્લા બે દિવસમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો.
રાજ્યમાં અનેક વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ
સરદાર સરોવર ડેમ સંપૂર્ણ ભરાઈ જતાં તેમાંથી લાખો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જેના કારણે ભરૂચ, અંકલેશ્વર અને વડોદરાનાં અનેક વિસ્તારોમાં પૂર આવ્યા હતા.
ભરૂચ અને અંકલેશ્વરમાં પાણી ઓસરવાનું ચાલું થયું છે પરંતુ હજી પણ ઘણા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયેલા છે.
રાજ્ય સરકારે આપેલી માહિતી અનુસાર, "વરસાદ પ્રભાવિત 9 જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 16360થી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 8 જિલ્લાના 1079 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. રેસ્ક્યૂ કામગીરી માટે વરસાદ પ્રભાવિત જિલ્લાઓમાં NDRFની 10 અને SDRFની 10 ટીમ ખડેપગે તહેનાત કરાઈ છે. જરૂર પડ્યે વધુ પાંચ ટીમ NDRFની અને SDRFની 13 ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે."
આ સિવાય રાજ્યનાં અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે જેને પૂર્વવત કરવાની કામગીરી હજુ પણ ચાલુ છે.
ગુજરાતમાં વાવાઝોડું, ભારે વરસાદ અને અતિવૃષ્ટિની ભીતિ
ગુજરાતમાં આંકડાઓ જોઈએ તો રાજ્યમાં 100 ટકાથી વધુ વરસાદ થઈ ચૂક્યો છે પરંતુ વરસાદની સ્થિતિ આ સિઝન દરમિયાન ચડાવ-ઉતાર વાળી રહી છે. ગુજરાતમાં આ વર્ષે ચોમાસામાં ક્યારે ભારે વરસાદ જોવા મળ્યો તો ઑગસ્ટ મહિનામાં એક મહિના જેટલી વરસાદની રાહ જોવી પડી.
સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં જૂન મહિનામાં આવેલા બિપરજોય વાવાઝોડાના કારણે સારો વરસાદ થયો હતો અને ઘણા વિસ્તારોમાં ત્યારે જ વાવણી થઈ ગઈ હતી. વાવાઝોડાના વરસાદ બાદ ગુજરાતમાં સમય કરતાં મોડી ચોમાસાની શરૂઆત થઈ હતી અને જૂન મહિનાના અંતમાં ઘણા વિસ્તારોમાં વરસાદ થયો હતો.
તે બાદ જુલાઈ મહિનામાં બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમો ગુજરાત પર આવતા ભારેથી અતિભારે વરસાદ થયો હતો અને કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ પેદા થઈ હતી. જુલાઈમાં ભરપૂર વરસાદ બાદ ઑગસ્ટમાં બ્રેક મૉન્સૂનની સ્થિતિ સર્જાઈ અને વરસાદ બંધ થયો. ગુજરાતમાં ઑગસ્ટ મહિનામાં નહિવત્ જેવો વરસાદ થયો હતો. મોટા ભાગના વિસ્તારોમાં 90 ટકા કરતાં વધારે ઘટ જોવા મળી હતી.
સપ્ટેમ્બરના બીજા સપ્તાહથી ફરી રાજ્યમાં હવે વરસાદની શરૂઆત થઈ છે અને આ મહિનાના અંત સુધી કદાચ છૂટોછવાયો વરસાદ ચાલુ રહે તેવી સંભાવના છે.