વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડની 81મી પુણ્યતિથિ
વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડની આજે 81મી પુણ્યતિથિ છે. અંતિમ દિવસોમાં તેઓ એક ગંભીર રોગનો શિકાર બનતાં વિદેશથી ખાસ ડોક્ટરોને પણ બોલાવાયા હતા. મુંબઈમાં ચાલી રહેલી સારવાર દરમિયાન તેમનું 6 ફેબ્રુઆરી 1939ના દિવસે તેમનું અવસાન થયું હતું. જે બાદ ખાસ ટ્રેન મારફતે તેમનો નશ્વર દેહ વડોદરા ખાતે લાવવામાં આવ્યો હતો. તે સમયે રાજ્યના તોપખાના દ્વારા 75-75 તોપની સલામી આપવામાં આવી હતી. ત્યારબાદ તેમના ઉત્તરાધિકારી તરીકે પૌત્ર શ્રીમંત મહારાજા પ્રતાપસિંહરાવની 14મા રાજા તરીકે ઘોષણા કરવામાં આવી હતી.
પાર્થિવ દેહને પાલખીમાં બિરાજીત કરી સ્મશાનયાત્રા યોજાયી હતી
વડોદરાથી ખાસ ટ્રેન મારફતે લવાયેલા મહારાજાના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. વિશ્વામિત્રી રેલવે સ્ટેશનથી પેલેસ સુધી વિશાળ જનમેદની ઉમટી પડી હતી. બાદમાં મહારાજાના પાર્થિવદેહને પાલખીમાં બિરાજીત કરી સ્મશાનયાત્રા યોજાયી હતી. સ્મશાનયાત્રાને કિર્તિમંદિર નજીક લશ્કરી ટુકડીએ ગાર્ડ ઓફ ઓનર આપી 21 તોપની સલામી આપી હતી. જ્યારે રાજ્યના તોપખાના તથા બ્રિટિશ સરકાર તરફથી 75-75 તોપની સલામી આપવામાં આવી હતી.
14મા રાજાને અપાયી હતી 51 તોપની સલામી
79 વર્ષ પહેલાં એટલે કે, તા.7 ફેબ્રુઆરી-1939ના રોજ શ્રીમંત મહારાજા પ્રતાપસિંહરાવ ગાયકવાડની 14 મા રાજા તરીકે માંડવી ખાતેથી 51 તોપોની સલામી સાથે ઘોષણા થઇ હતી. મહારાજા શ્રીમંત પ્રતાપસિંહરાવ ગાયકવાડને 51 તોપોની સલામી એટલા માટે આપવામાં આવી હતી કે, 21 તોપોની સલામી બ્રિટીશરોની પરંપરા હતી. 21 તોપોની સલામી વડોદરા રાજયની પરંપરા હતી. અને 9 તોપોની સલામી નવકોટ નારાયણને આપવામાં આવતી હતી. એટલા માટે શ્રીમંત પ્રતાપસિંહરાવ ગાયકવાડ 51 તોપોની સલામી આપવામાં આવી હતી.