શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: અમદાવાદ , શનિવાર, 13 જુલાઈ 2024 (13:37 IST)

માધુપુરા ક્રિકેટ સટ્ટાનું માસ્ટર આઈડી બનાવનાર ઝડપાયો, દુબઈથી પંજાબ આવતા જ ધરપકડ

Madhupura Cricket Authority's Master Ed
Madhupura Cricket Authority's Master Ed
 શહેરમાં કરોડોની કિંમતનો ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમાઈ રહ્યો છે. આ સટ્ટો રમાડવામાં દુબઈમાં બેઠેલા મોટા ગજાના સટોડિયાઓનો હાથ છે. 2023માં પોલીસે પકડેલા ક્રિકેટ બેટિંગ સટ્ટામાં ધવલ પટેલ નામના બુકીની ધરપકડ કરી હતી. પોલીસે ધવલ પટેલની પુછપરછ કરી હતી. જેમાં અનેક ખુલાસાઓ થયાં છે અને માસ્ટર આઈ બનાવીને લોકોને સટ્ટો રમવા માટે આપનાર મુખ્ય આરોપી પાર્થ દોશી સટ્ટાના ગુનામાં નાસતો ફરતો હતો અને તેની સામે ફેબ્રુઆરી 2024મા લુક આઉટ સર્ક્યુલર ઈશ્યુ કરવામાં આવ્યો હતો. જે હવે પોલીસના હાથે પકડાઈ ગયો છે. 
 
પાર્થ દોશી એક વર્ષથી નાસતો ફરતો હતો
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદમાં માધુપુરાનો કરોડોનો ક્રિકેટ સટ્ટો હાલ ચર્ચામાં છે. તે ઉપરાંત શહેરમાં ઓનલાઈન સટ્ટા માટે આઈડી આપીને લોકોને ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડનારા પોલીસના હાથે પકડાઈ રહ્યાં છે. ત્યારે 2023માં પોલીસે પાડેલી રેડમાં ક્રિકેટ સટ્ટો રમાડતાં ધવલ સોમાભાઈ પટેલની ધરપકડ કરી હતી. આ ધવલ પટેલની પુછપરછમાં અનેક પ્રકારના ચોંકવનારા ખુલાસા થયાં હતાં. ધવલ પટેલે પોલીસને પુછપરછમાં ઓનલાઈન સટ્ટા બેટિંગનું માસ્ટર આઈડી પાર્થ દોશીએ આપ્યું હોવાનું જણાવ્યું હતું. ત્રણ માસ્ટર આઈડી ધવલ પટેલે 15 ટકાના ભાગે આરોપી જીગ્નેશ પટેલને આપ્યા હતાં. આ માસ્ટર આઈડી આપનાર મુખ્ય આરોપી પાર્થ દોશી વર્ષોથી દુબઈ રહે છે. તે દુબઈથી સટ્ટા માટેનું માસ્ટર આઈડી બનાવીને સટ્ટાખોરોને પુરુ પાડતો હતો. 
 
ફેબ્રુઆરી 2024માં પોલીસે લુક આઉટ સર્ક્યુલર ઈશ્યુ કર્યો હતો
પાર્થ દોશી આ ગુનામાં એક વર્ષથી નાસતો ફરતો હતો. તેની સામે પહેલી ફેબ્રુઆરી 2024માં પોલીસે લુક આઉટ સર્ક્યુલર ઈશ્યુ કર્યો હતો. આ આરોપી પાર્થ દોશી દુબઈથી પંજાબના અમૃતસર ખાતે આવતાં તેની સાથે ઈશ્યુ કરવામાં આવેલા સર્ક્યુલર પ્રમાણે તેને એરપોર્ટ ઓથોરિટીએ ડીટેન કર્યો હતો. ત્યાર બાદ ગુજરાત પોલીસને જાણ કરવામાં આવી હતી. ગુજરાત પોલીસે પાર્થ દોશીની પંજાબ ઓથોરિટી પાસેથી કબજો મેળવીને આજે અટકાયત કરી છે. ઉલ્લેખનીય છે કે, માધુપુરા ક્રિકેટ સટ્ટાકાંડમાં અત્યાર સુધીમાં 35 આરોપીઓને પકડી  પાડવામાં આવ્યાં છે અને હજી આ કેસમાં તપાસ ચાલુ છે.