સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 30 માર્ચ 2022 (11:57 IST)

તા. ૩૧મી માર્ચથી રાજયની ૨૯ હજાર કરતા વધુ શાળાઓમાં મધ્યાહન ભોજનનો આરંભ થશે

મઘ્યાહન ભોજનમાં અપાતું ભોજનએ માત્ર ભોજન નથી, પણ પ્રેમ- ભાવનો પ્રસાદ છે, તેવું ગાંધીનગર ખાતેની બોરીજ પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનનો પ્રારંભ કરાવતાં શિક્ષણ મંત્રી જીતુભાઇ વાધાણીએ જણાવ્યું હતું.
 
માધ્યહન ભોજન થકી વિધાર્થીઓમાં સમૂહ ભોજન સાથે સમૂહ ભાવ પેદા થાય છે, તેવું જણાવી શિક્ષણ મંત્રી જીતુભાઇ વાધાણીએ જણાવ્યું હતું કે, ગાંધીનગર સહિત રાજયના નવ શહેરી વિસ્તારમાં આ યોજનાનો આરંભ કરવામાં આવ્યો છે. આજથી આરંભ થયેલ આ યોજના થકી ૨૮૦૦ થી વધુ શાળાઓના ૭ લાખ જેટલા વિધાર્થીઓને મધ્યાહન ભોજન આપવાનો આરંભ કરવામાં આવ્યો છે. તેમજ આગામી તા. ૩૧મી માર્ચ, ૨૦૨૨થી રાજયની ૨૯,૪૬૪ શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને ગરમ મધ્યાહન ભોજન આપવામનો આરંભ થશે.
 
તેમણે ઉમેર્યું હતું કે, રાજય સરકાર દ્વારા પી.એમ.પોષણ યોજના અંતર્ગત વર્ષ- ૨૦૨૨-૨૩ માટે કુલ રૂપિયા ૧૦૭૧ કરોડથી વધુ રકમ મંજૂર કરવામાં આવી છે. તેમજ તા. ૧૬મી માર્ચ, ૨૦૨૦થી કોરોના મહામારીના સમયમાં શાળાઓ બંધ હતી. તે સમયે બાળકોને ફૂડ સિક્યુરિટી એલાઉન્સીસ હેઠળ બાળકોને ફૂડ ગ્રેઇન તથા કૂકિંગ કોસ્ટની ચુકવણી કરવામાં આવી છે. જેમાં ફૂડ ગ્રેઇન પેટે ૨ લાખ ૬૧ હજારથી વધુ મેટ્રિક ટન અનાજ તથા કૂકિંગ કોસ્ટ પેટે રૂપિયા ૧૩૫૦ કરોડથી વધુ રકમ વિધાર્થીઓને આપવામાં આવી છે.
 
શિક્ષણ મંત્રી જીતુભાઇ વાધાણીએ સર્વે નાગરિકોને પોતાના પરિવારના સભ્યના જન્મ દિવસ, લગ્ન દિવસ, તિથિ કે અન્ય શુભ પ્રસંગે ગામની શાળાઓના બાળકોને યથાશક્તિ ફૂડ કે ભોજનમાં તિથિ ભોજન રૂપે સહભાગી થવાની અપીલ કરી હતી. તેમજ રાજય સરકાર દ્વારા આદિવાસી વિસ્તારના ૭૮ તાલુકામાં શિક્ષણનો વ્યાપ વધારવા માટે શરૂ કરેલ દૂધ સંજીવની યોજના અને આદિવાસી પરિવારની શાળાએ જતી દીકરીઓને હાજરી ૭૦ ટકા થાય ત્યાર અનાજ આપવા આરંભ કરેલ અન્નસંગમ યોજનાની વાત કરી હતી.
 
શ્રેષ્ઠ નાગરિકનું ઘડતર કરવાનું કામ શાળાઓ કરી રહી છે, તેવું કહી તેમણે ઉમેર્યું હતું કે, શાળામાં આવતું બાળક સરકાર- શિક્ષકને પરિવાર સોપે છે. શિક્ષકો સતત મહેનત કરીને ગણન-લેખન- વાંચન સાથે સંસ્કારનું સિંચન કરવાનું ઉમદા ઇશ્વરીય કામ કરી રહ્યા છે. જેની ફલશ્રૃતિ રૂપે આજે શાળામાં બાળકોની સંખ્યા વધી રહી છે.
 
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે શાસનધુરા સંભાળી ત્યારથી જ રાજયના શિક્ષણની ચિંતા કરી હતી, તેવું કહી તેમણે ઉમેર્યું હતું કે, આ સરકારના શાસનમાં વાલીઓ બાળકના શિક્ષણ માટે જાગૃત બને તે માટે ગામેગામ આંગણવાડીઓ શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ આંગણવાડીમાંથી ઘોરણ- ૧ માં પ્રવેશ લેવા ન આવે તો તેના વાલીને સમજવવાનું કામ પણ શિક્ષકો કરી રહ્યા છે. તેમજ રાજયની ૩૩ હજાર શાળાઓ આવેલી છે. જેમાં ૧૯ હજાર ઓરડાઓની ઘટ છે. તેમાંથી ચાલુ વર્ષમાં સરકાર દ્વારા ૧૦ હજાર ઓરડાઓ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. ૨૫૦૦ ઓરડાઓના કામ ચાલું છે. તેમજ ૪ હજાર ઓરડા બનાવવાની ટેન્ડરીંગ પ્રક્રિયા કાર્યરત છે. તેમજ બાળકો સરળતાથી ભણવા જઇ શકે તેની સાથે શાળાઓમાં શિક્ષણનું એક સારું વાતાવરણ ઉભું કરવાનું કાર્ય આ સરકારે કર્યું છે.
 
બોરીજ શાળામાં મધ્યાહન ભોજન યોજનાના આરંભે મંત્રી જીતુભાઇ વાધાણી દ્વારા  પિતા સ્વ. સવજીભાઇ કરશનભાઇ વાધાણીની પૂણ્યતિથિ નિમિત્તે મિષ્ટાન પ્રસાદના દાતા બન્યા હતા. તેમજ તેમણે તમામ શાળાના બાળકોને પોતાના હસ્તે મિષ્ટાનનું પીરસીયું હતું. તેમજ બાળકો સાથે સજ્જતાથી વાત કરીને મધ્યાહન ભોજન યોજના અંગેના પ્રતિભાવ પણ જાણ્યા હતા.
 
આ પ્રસંગે અક્ષયપાત્રના સ્વામી રામદાસ, ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ દિલીપભાઇ પટેલ, ગાંધીનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જસવંતભાઇ પટેલ, મધ્યાહન ભોજન કમિશનર સતીષભાઇ પટેલ, મહાનગરપાલિકાના કમિશનર ધવલ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ અનિલભાઇ પટેલ, શહેર ભાજપ પ્રમુખ રૂચિરભાઇ ભટ્ટ સહિત અનેક મહાનુભાવો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.