રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 17 ફેબ્રુઆરી 2020 (11:58 IST)

૬૨.૫ ગુણ મેળવ્યા હોય તેવી બહેનોને લાભ અપાશે, અનામત-બિનઅનામત વર્ગની બહેનોને મળશે લાભ

ગુજરાતમાં એલ.આર.ડી. મહિલા ભરતી સંદર્ભે ચાલી રહેલા વિવાદનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સૌ સમાજ વર્ગોનું હિત સચવાય, ગુણવત્તા, લાયકાત ધરાવતી કોઇ બહેનોને અન્યાય ન થાય તેવો સુખદ નિર્ણય રાજ્ય મંત્રી મંડળના મંત્રીશ્રીઓ, પક્ષના પદાધિકારીઓ અને અનામત તથા બિનઅનામત વર્ગોના તમામ અગ્રણીઓ સાથે વિષદ લંબાણ ચર્ચા વિચારણા બાદ કર્યો છે તેમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેર કર્યું છે. નિતિન પટેલે આ નિર્ણયની ભૂમિકા આપતાં જણાવ્યું કે, ગુજરાતમાં સમાજ-સમાજ વચ્ચે કોઇ વિખવાદ ન થાય, સામાજિક સદભાવ જળવાઇ રહે અને રાજ્યની શાંતિ-સલામતીને  કોઇ અસર ન પહોંચે તથા ગુજરાત વિકાસની રાહ પર સતત આગળ વધતું રહે તેવી નેમ સાથે સરકાર આગળ વધી રહી છે.
 
તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકાર યુવાનો-બહેનોને મોટા પાયે સરકારી નોકરીના અવસર મળે તે માટે પારદર્શી અને આયોજનબદ્ધ ભરતી કરતી રહી છે. આ ભરતીઓમાં મહિલા અનામતની ૩૩ ટકા જોગવાઇઓનું પણ પાલન થતું રહે છે. તાજેતરમાં એલ.આર.ડી. ભરતી બોર્ડ દ્વારા જે ભરતી પ્રક્રિયા કરવામાં આવી તેમાં રાજ્ય સરકારના તા.૦૧.૦૮.૨૦૧૮ના પરિપત્રને કારણે જે વિવાદ થયો તે અંગે અનામત અને બિનઅનામત વર્ગોના સમાજ પ્રતિનિધિઓ-અગ્રણીઓ અને અસરકર્તા બહેનોએ રાજ્ય સરકાર સમક્ષ રજૂઆતો કરી હતી.
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ સમગ્ર વિષયમાં સંપૂર્ણ સંવેદનાથી આગળ વધવા રાજ્ય મંત્રી મંડળના મંત્રીઓ તથા બન્ને વર્ગોના સમાજ અગ્રણીઓ અને પક્ષના પદાધિકારીઓને સાથે રાખીને છેલ્લા એેક સપ્તાહથી આ વિષયે વિચાર-પરામર્શની પ્રક્રિયા હાથ ધરી હતી. નીતિન પટેલે કહ્યું કે, મુખ્યમંત્રીએ રાજ્યના મંત્રીઓ તથા અનમત-બિનઅનામત વર્ગોના અગ્રણીઓ સાથે બેઠક યોજીને પણ આ પ્રકરણમાં કોઇને પણ અન્યાય ન થાય તેની સંપૂર્ણ સંવેદના સાથે સુખદ નિરાકરણ કર્યું છે.
 
નીતિન પટેલે આ અંગેની વિગતો આપતાં જણાવ્યું કે, રાજ્ય સરકારે એલ.આર.ડી. ભરતીની આ પ્રક્રિયા પુરતો તા.૦૧.૦૮.૨૦૧૮નો પરિપત્ર બાજુએ રાખીને જુની પદ્ધતિ પ્રમાણે ભરતી પ્રક્રિયાનો નિર્ણય કર્યો છે. તદઅનુસાર આ પરિપત્રને ધ્યાનમાં લીધા સિવાય ૧૯૯૭થી જે પ્રમાણે મહિલા અનામત આપવામાં આવતી હતી તેને અનુસરવામાં આવશે. રાજ્ય સરકારે રાજ્યના પોલીસ દળમાં નોકરીની વધુ તકો ઉભી થાય તે માટે સુપર ન્યુમરી જગ્યાઓનો પણ નિર્ણય કર્યો છે આના પરિણામે અનામત અને બિનઅનામત વર્ગો બેય કક્ષાએ બહેનોને ભરતીમાં યોગ્યતાના અધારે વધુ તક મળશે. આ એલ.આર.ડી. ભરતી પ્રક્રિયામાં ૫૦ ટકા ગુણાંક અને ૬૨.૫ ગુણ મેળવ્યા હોય તેવી બહેનોને લાભ આપવામાં આવશે.
 
તમામ કેટેગરીની બહેનોની ભરતી માટે સુપર ન્યુમરી જગ્યાઓમાં જે વધારો થવાનો છે તેની વિગતો આપતાં કહ્યું કે, એેસ.ઇ.બી.સી.(બક્ષીપંચ) બહેનોની ૧૮૩૪ જગ્યા હતી તે હવે ૩૨૪૮, જનરલ(સામાન્ય) કેટેગરીની ૪૨૧ બેઠકો હતી તે વધીને ૮૮૦  તેમજ એેસ.સી.(અનુસૂચિત જાતિ)માં ૩૪૬ના સ્થાને ૫૮૮ અને એસ.ટી.(અનુસૂચિત જનજાતિ) કેટેગરીમાં ૪૭૬ થી વધીને ૫૧૧ જગ્યાઓ થશે. તેમણે કહ્યું કે, અગાઉના કટઓફ માર્કસના ધોરણમાં વધારો કરી ૬૨.૫ ગુણ કટઓફ કરવામાં આવતા કુલ ૫૨૨૭ જગ્યાઓ ઉપર બેય વર્ગની બહેનોને લાભ મળશે.
 
રાજ્ય સરકારની અન્ય કોઇ પણ ભરતી પ્રક્રિયા તા.૦૧.૦૮.૨૦૧૮ના પરિપત્ર સંદર્ભમાં કોર્ટનો નિર્ણય આવતા સુધી કરવામાં નહીં આવે. નાયબ મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજ્ય સરકાર માટે સાડા છ કરોડ ગુજરાતીઓનું હિત એક સમાન છે. કોઇપણ સમાજ વર્ગો જ્ઞાતિ-જાતિ કે વર્ગને અન્યાય ન થાય તે રીતે પ્રજાને ઇશ્વર માનીને બધાને ન્યાય મળે, મેરીટના આધારે ભરતી અને સરકારી સેવાની તક મળે તે માટે આ સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.
 
નાયબ મુખ્યમંત્રીએ એલ.આર.ડી. ભરતી અંગેના આ વિવાદના સમાધાનમાં સહયોગ આપનારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ, અનામત અને બિનઅનામત સમાજ વર્ગોના અગ્રણીઓ, પક્ષના પદાધિકારીઓ પ્રત્યે હ્રદયપૂર્વકના આભારની લાગણી વ્યક્ત કરી છે. તેમણે ગુજરાતમાં સૌ સમાજ વર્ગો સરકાર સાથે મળીને ખભે ખભો મીલાવીને ગુજરાતને વિકાસની ઉંચાઇઓ પાર કરાવી દેશમાં અગ્રીમ રાજ્ય બનાવવા કાર્યરત છે તેમ જણાવ્યું હતું.