ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 3 જાન્યુઆરી 2020 (12:26 IST)

ગુજરાત વિધાનસભાનું આગામી સત્ર ૧૦મી જાન્યુઆરીએ યોજાશે, ઐતિહાસિક સુધારાને સમર્થન આપવા રાજ્ય સરકાર પ્રસ્તાવ લાવશે

પાકીસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી આવેલા ત્યાંના લઘુમતિ સમુદાયોને ભારતનું નાગરિકત્વ આપવા માટેના કેન્દ્ર સરકારના ઐતિહાસિક નિર્ણયને વિધાનસભામાં સમર્થન અપાશે. અનુસૂચિત જાતિ અને જનજાતિની બેઠકોના આરક્ષણ માટેના કરાયેલા ઐતિહાસિક સુધારાને પણ બહાલી આપવા માટે ગુજરાત વિધાનસભાનું સત્ર આગામી તા. ૧૦મી જાન્યુઆરી ૨૦૨૦ના રોજ બોલાવવાનું રાજ્યપાલ દ્વારા આહવાન કરવામાં આવશે. 
 
બંધારણના આર્ટીકલ ૧૭૬ની જોગવાઇ મુજબ નવા વર્ષના પ્રથમ સત્રનો શુભારંભ રાજ્યપાલના સંબોધનથી થશે. ત્યારબાદ રાજ્યપાલના પ્રવચન પરના આભાર પ્રસ્તાવની દરખાસ્ત લાવીને રાજ્યપાલનો આભાર વ્યક્ત કરાશે. 
 
વૈધાનિક અને સંસદીય બાબતોના વિભાગના રાજ્ય કક્ષા મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની બેઠકો માટેનું આરક્ષણ તથા એગ્લો ઇન્ડીયન જાતિનું પ્રતિનિધિત્વને વધુ ૧૦ વર્ષ માટે લંબાવવાના આશયથી ભારતના બંધારણમાં ૧૨૬મો સુધારો કરતો ખરડો સંસદના બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યો છે. આ સુધારાને ભારતના બંધારણના આર્ટીકલ ૩૬૮ની જોગવાઇ મુજબ ઓછામાં ઓછા ૫૦ ટકા રાજ્યોના વિધાન મંડળો દ્વારા બહાલી મળવી જરૂરી છે. આવી બહાલી મળ્યા બાદ જ રાષ્ટ્રપતિની મંજૂરી માટે ખરડો મોકલી શકાય એવી જોગવાઇ હોઇ, ગુજરાત વિધાનસભામાં રાજ્યપાલશ્રીના આભાર પ્રસ્તાવ બાદ આ સુધારાને સભાગૃહની બહાલી આપવા પ્રસ્તાવ લાવવામાં આવશે. 
દેશની લોકસભામાં અને રાજ્ય સભામાં પાકીસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં વસતા ત્યાંના લઘુમતી સમુદાય (હિન્દુ, પારસી, શીખ, બૌધ્ધ, ખ્રિસ્ત્રી, જૈન) કે જેઓ ભારતમાં ૩૧ ડીસેમ્બર ૨૦૧૪ પહેલાથી વસવાટ કરે છે તેમને ભારતનું નાગરિકત્વ આપવા માટેના ઐતિહાસિક નિર્ણય કરાયો છે. આનાથી ભારતના લઘુમતિ સમુદાયને કે તેમના નાગરિકત્વ પર કોઇ અસર થવાની નથી. કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલા આ ઐતિહાસિક નિર્ણયને સમર્થન આપવા માટે વિધાનસભા સત્રમાં આ અંગેનો પ્રસ્તાવ લાવવામાં આવશે.