રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 17 ડિસેમ્બર 2019 (11:37 IST)

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મામલો, વળતર મુદ્દે ખેડૂતોએ સુપ્રીમ કોર્ટમાં પિટીશન દાખલ કરી

વડાપ્રધાન મોદીના ડ્રીમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જમીન ગુમાવનાર ખેડૂતોને જમીન સંપાદન અધિનિયમ 2013ના કાયદા પ્રમાણે વળતર આપવાની માંગ સાથે ખેડૂતોએ  હવે સુપ્રીમ કોર્ટમાં એક પિટીશન દાખલ કરી છે. ગુજરાત હાઈકોર્ટના ચૂકાદાથી નારાજ થયેલા ખેડૂતો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યાં છે. ગુજરાત હાઇકોર્ટે હાલમાં જ આપેલા સરકાર તરફેના ચૂકાદાથી નારાજ થઇને ખેડુત સમાજે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે.

એક ખેડૂત અગ્રણીએ જણાવ્યું હતું કે, સમાન ન્યાયની માંગણી સાથે ખેડૂત સમાજ અને 50 જેટલા ખેડૂતો દ્વારા ગુજરત હાઇકોર્ટમાં પિટીશન કરવામાં આવી હતી. પિટીશનમાં માંગણી કરવામાં આવી હતી કે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જમીન સંપાદન કરવા માટે જમીન સંપાદન અધિનિયમ 2013 મુજબ ખેડૂતોને વળતર મળવું જોઇએ, આ અધિનિયમમાં ખેડૂતોને બજાર કિંમતના ચાર ગણા લેખે ચૂકવણું કરવાનું હોય છે. પરંતુ રાજ્ય સરકારના જમીન સંપાદન અધિનિયમ 2016 મુજબ ખેડુતોને વ‌ળતર આપવામાં આવી રહ્યું છે. જેમાં જંત્રીના ચાર ગણા લેખે વળતર આપવાની વાત છે. આ પ્રોજેક્ટ મહારાષ્ટ્ર, સંઘ પ્રદેશ અને ગુજરાત એમ ત્રણ રાજ્યામાંથી પસાર થતો હોય તેને સેન્ટ્રલ ઓથોરિટી ગણ‌વી જોઇએ અને તેના આધારે વળતર મળ‌વું જોઇએ. ગુજરાત હાઇકોર્ટમાં આ અંગે પિટીશન કરવામાં આવી હતી. હાઇકોર્ટનો ચૂકાદો સરકાર તરફે આવ્યો છે. જેથી ખેડૂત સમાજે સુપ્રીમ કોર્ટમાં દાદ માંગી છે.ત્યારે આ મામલે લાખો ખેડૂતો સુપ્રીમ કોર્ટની કાર્યવાહી પર હવે મીટ માંડીને બેઠા છે. જેને પગલે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે ખેડૂત સમાજમાં ચર્ચાનો વિષય બન્યો છે.