બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 23 નવેમ્બર 2019 (14:23 IST)

હીરા ઉદ્યોગમાં 40 ટકા કારખાના દિવાળી પછી હજુ ખુલ્યા નથી

આર્થિક સ્લોડાઉન-મંદીના દોરમાંથી વેપાર ઉદ્યોગ હજુ બહાર આવી શકયા ન હોય તેમ સુરતમાં હજુ 40 ટકા હિરાના કારખાનાઓ દિવાળીના વેકેશન બાદ ફરી વખત ખુલ્યા નથી. પરિણામે હજારો કામદારો રોજીરોટી વિનાના છે. સુરતમાં નાના-મોટા કુલ 5500 જેટલા હીરાના એકમો છે તેમાંથી 40 ટકા કારખાનેદારોએ હજુ દિવાળીનું વેકેશન પુરૂ કર્યુ નથી. આર્થિક મંદી જવાબદાર છે. પોલીસ્ડ હીરાના વેપારમાં કોઈ ચળકાટ કે સળવળાટ આવે ત્યારપછી જ કારખાના ચાલુ કરવાનો માલિકોનો વ્યુહ છે.

વરાછામાં 150 કારીગરો સાથેનું એકમ ધરાવતા હિતેશ હિરપરાએ જણાવ્યું હતું કે સુરતનો હિરા ઉદ્યોગ દિવાળી વેકેશન પછી 18મી નવેમ્બરથી ખુલી ગયો છે. પરંતુ વેપાર ધંધાની નાજુક હાલતને કારણે હજુ પોતે કારખાનુ ચાલુ કર્યુ નથી. વતન અમરેલીમાં રોકાણ લંબાવ્યુ છે. તૈયાર હીરાનો માલ ભરાવો છે ત્યારે કારખાનુ ફરી ચાલુ કરવાનો કોઈ અર્થ નથી. સુરત ડાયમંડ એસોસીએનના પ્રમુખ બાબુ કથીરીયાએ કહ્યું કે 18મી નવેમ્બરે હીરા ઉદ્યોગનું વેકેશન ખુલી ગયુ હોવા છતાં સંખ્યાબંધ એકમોએ હજુ કામકાજ શરુ કર્યા નથી.
લગ્નગાળો અથવા ખેતીની સિઝનને કારણે પણ કેટલાંક કારખાનેદારોએ વતનમાં રોકાણ લંબાવ્યુ હોવાની શકયતાનો ઈન્કાર થઈ શકે તેમ નથી. જો કે, હીરા ઉદ્યોગમાં તૈયાર હીરાનો માલ ભરાવો હોવાની વાસ્તવિકતાનો ઈન્કાર થઈ શકે તેમ નથી. કારખાના ચાલુ થયા છે તેમાં પણ નવા કામનું પ્રમાણ ઓછું રહેવાનું સ્પષ્ટ છે. કાચા હીરાની નવી ખરીદીમાં રસ નથી. તૈયાર હીરાના ભાવ ઘટી ગયા છે. નાતાલના તહેવારો દરમ્યાન ખરીદી વધે ત્યારે ભાવમાં કાંઈક ચમક આવવાની આશાએ કારખાનેદારો પ્રતિક્ષા કરી રહ્યા છે.
હીરા ઉદ્યોગના સૂત્રોએ કહ્યું છે કે વૈશ્ર્વિક સ્તરે ડાયમંડના વેપારની મંદીએ સુરતના હીરા ઉદ્યોગે ફટકો માર્યો છે. ઓકટોબરમાં કાચા હીરાની આયાત તથા તૈયાર હીરાની નિકાસમાં 20 ટકાનો ઘટાડો થયો છે. હવે ડિસેમ્બર મહિનો નિર્ણાયક બની શકે તેમ છે. સુરત રત્નકલાકાર સંઘના પ્રમુખ જયસુખ ગજેરાએ કહ્યું કે 40 ટકા નાના-મધ્યમ એકમો બંધ છે અને કારીગરો પરત આવ્યા નથી.