ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 14 એપ્રિલ 2021 (13:26 IST)

હાય રે મહામારી તે માતાની મમતા છીનવીઃ સુરતમાં 14 દિવસના નવજાત બાળકને કોરોના ભરખી ગયો

સુરતમાં કોરોનામાં સપડાતાં બાળકોની સંખ્યામાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. થોડા દિવસો પહેલાં 13 વર્ષના મોટાવરાછાના બાળકનું કોરોનાથી મોત થયું હતું. ત્યાર બાદ આજે સુરત સિવિલ હોસ્પિટલમાં 14 દિવસના નવજાત માસૂમનું કોરોનાથી મોત થતાં તંત્ર અલર્ટ થઈ ગયું છે. કિડની અને ખેંચની બીમારી સાથે કોરોના સાથે ગુજરાતમાં 14 દિવસના બાળકનું કોરોનાની 11 દિવસની સારવાર બાદ મોતનો કદાચ પહેલો કેસ માનવામાં આવી રહ્યો છે.

રોહિત વસાવા (નવજાત બાળકના પિતા)એ જણાવ્યું હતું કે બાળકના જન્મના ત્રીજા દિવસે પુત્રની તબિયત બગડી હતી. અમે વ્યારા લઈ ગયા હતા, જ્યાં કેટલાક રિપોર્ટ બાદ બાળક કોરોના પોઝિટિવ હોવાનું કહી અમને બાળક સાથે સુરત સિવિલ હોસ્પિટલમાં રિફર કરી દેવાયા હતા.સુરત સિવિલ હોસ્પિટલમાં પ્રસૂતા પત્નીનો પણ રિપોર્ટ કાઢવામાં આવ્યો હતો. જોકે એ અને હું બન્ને નેગેટિવ હોવાનું કહેવામાં આવ્યું હતું. ખેડૂત છીએ અને ખેતીવાડી કરી ગુજરાન ચલાવીએ છીએ. પ્રસૂતા રાજશ્રીને આ બીજી પ્રસૂતિ હતી. પહેલી પ્રસૂતિમાં દીકરીને જન્મ આપ્યો હતો. આજે એ ચાર વર્ષની હોવાનું મૃતક બાળકના પિતાએ વધુમાં ઉમેરતાં કહ્યું હતું કે મારા નવજાત બાળકને કિડની અને ખેંચની બીમારી હતી. ત્યાર બાદ આ બધી તકલીફો ઊભી થઇ હતી. બાળકનો રેપિડ ટેસ્ટ પોઝિટિવ હોવાનું તબીબે જણાવ્યું હતું. હાલ મૃતદેહ પોસ્ટમોર્ટમ રૂમમાં મૂકવામાં આવ્યો છે.