નલિયા 11 ડિગ્રી સાથે ઠંડુંગાર, અમદાવાદમાં 18.8 ડિગ્રી તાપમાન
ગુજરાતમાં આખરે શિયાળાએ પ્રભુત્વ જમાવવાનું શરૂ કરી દીધું છે. નલિયામાં 11 ડિગ્રી સાથે સૌથી વધુ ઠંડી નોંધાઇ હતી. આ સાથે જ ગુજરાતમાં વર્તમાન સિઝનમાં તાપમાન 12 ડિગ્રીથી નીચે ગયું હોય તેવું પ્રથમવાર બન્યું છે. નલિયામાં 11 ડિગ્રી સાથે નવેમ્બરમાં પડતી ઠંડીએ બે વર્ષનો રેકોર્ડ તોડયો છે. 23 નવેમ્બર 2017ના 7.8 જ્યારે 8 નવેમ્બર 2018ના 12.4 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નલિયામાં નોંધાયું હતું. 30 નવેમ્બર 1966ના પાંચ ડિગ્રી સાથે નલિયામાં ઓલટાઇમ હાઇએસ્ટ ઠંડીનો રેકોર્ડ છે.
બીજી તરફ અમદાવાદમાં 18.8 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું. હાલની સ્થિતિ જોતાં અમદાવાદમાં ઠંડીનો પારો 19 ડિગ્રીની આસપાસ રહેશે. આમ, અમદાવાદમાં હાલ ઠંડી વધે તેની સંભાવના નહિવત્ છે.અમદાવાદમાં આ વખતે હજુ સુધી નવેમ્બર માસની સૌથી ઓછી ઠંડી નોંધાઇ છે. જેમાં માત્ર એકવાર તાપમાન 15 ડિગ્રી સુધી પહોંચ્યું છે. ગત વર્ષે 18 નવેમ્બરના 14.2 ડિગ્રી, 25 નવેમ્બર 2017ના 11.6, 10 નવેમ્બર 2016ના 13.1 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. ડિસેમ્બરના પ્રથમ સપ્તાહથી અમદાવાદમાં ઠંડીનું જોર વધી શકે છે.