સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 24 ઑક્ટોબર 2017 (12:14 IST)

૭૦ વર્ષે સરકારે કુંવારપરાને અલગ ગ્રામપંચાયતનો દરજ્જો આપ્યો

રાજકારણ એક એવી ચીજ છે જે ક્યારેય કોઈને સમજાતી નથી. ગુજરાતમાં ગામડાઓમાં વિકાસ કરવાના બણગા ફૂંકતી ભાજપ સરકાર અને એ પહેલાની કોંગ્રેસ સરકાર બંને સરકારોએ વિકાસના બ્યૂગલો વગાડ્યાં પણ આખરે ગામડાં સમૃદ્ધ ના થયાં. આજ રાજપિપળાના એક એવા ગામની વાત કરવી છે જેને 70 વર્ષે ગ્રામ પંચાયતનો દરજ્જો સાંપડ્યો છે.  પ્રાપ્ત વિગતો પ્રમાણે નાંદોદ તાલુકાના નાના કુંવરપરા ગામ લોકોને આઝાદી સમયથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મત આપવાનો અધિકાર જ ન હતો.

ગામના લોકો લોકસભા, વિધાનસભામાં મત આપી શકે પણ તાલુકા, જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતમાં મત આપી શકતા ન હતા. ત્યારે ૭૦ વર્ષે સરકારે કુંવારપરાને અલગ ગ્રામપંચાયતનો દરજ્જો આપતો પત્ર વન રાજ્યમંત્રી શબ્દશરણ તડવીએ ગ્રામજનોને સુપ્રત કર્યો હતો. ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કાર સાથે ગામમાં નેતાઓ - અધિકારીઓની પ્રવેશબંધી કરી હતી. નાંદોદ તાલુકાના કુંવારપરા ગ્રામજનો અલગ ગ્રામપંચાયતની માંગણી સાથે છેલ્લા ૩૫ વર્ષથી સરકાર અને તંત્ર વિરુદ્ધ આંદોલન કરી રહ્યા હતા. કુંવારપરાના ગ્રામજનોને લોકસભા, વિધાનસભામાં મત આપવાનો અધિકાર હોવા છતાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મત આપવાનો અધિકાર ન હોવાથી ગામમાં કોઈ પણ જાતનો વિકાસ ન થયો હોવાનો ગ્રામજનોએ આક્ષેપ લગાવી આખરે વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. સાથે કોઈ પણ જાતિના કે આવકના દાખલાની જરૂરિયાત પડે તો ગ્રામપંચાયત અને પાલિકા ગ્રામજનોને એક બીજાની ખો આપતા હોવાથી ગ્રામજનો ગુસ્સે ભરાયા હતા અને ચૂટણી બહિષ્કારની ચીમકી સાથે સાથે ગામમાં કોઈ અધિકારીઓ કે કોઈ પણ પાર્ટીના નેતાઓએ પ્રવેશવું નહિ એવા બેનર ગામની ભાગોળે લગાવતા ગુજરાત વિધાનસભા ચૂંટણી ટાણે જિલ્લામાં રાજકારણ ગરમાયુ હતું. ત્યારે મોડે મોડે જાગેલી સરકારે કુંવારપરા ગામના લોકોની માંગણીઓ અંગે સકારાત્મક વલણ દાખવ્યું હતું અને કુંવારપરાને અલગ ગ્રામપંચાયતનો દરજ્જો આપવાનો નિર્ણય કર્યો હતો. રાજ્ય કક્ષાના વન મંત્રી શબ્દશરણ તડવીએ યુવા ભાજપ અગ્રણી નીલ રાવ, સુરેશ વસાવા,નાંદોદ તાલુકા ભાજપ પ્રમુખ સહિતનાઓની હાજરીમાં કુંવરપરા ગ્રામજનોને અલગ ગ્રામપંચાયતનો દરજ્જો આપતો એક પત્ર સુપ્રત કરતા ગ્રામજનોમાં આનંદ છવાયો હતો.