કચ્છમાં ભારે વરસાદે પૈયા નદી બની ગાંડીતૂર, આઠ ગામોનો સંપર્ક તૂટ્યો
ભુજ: છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે નખત્રાણાની પૈયા નદી ગાંડી તૂર બની છે. જેના કારણે પૈસા અને મોતીચુર વચ્ચેના કોઝવે પર પાણી ભરાતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. તો બીજી તરફ કોઝવેની આસપાસના ગામોમાં વરસાદના પાણી ભરાઇ જતા આઠ ગામથી સંપર્ક તૂટી ગયો છે.
ભારે વરસાદને કારણે પૈયા નદીમાં પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે. જેને લઇ હાલ નદી બંને કાંઠે વહેતી જોવા મળી રહી છે. નદીના કાંઠા વિસ્તારમાં રહેતા લોકો પાણી ઓસરે તેની રાહ જોઇ રહ્યાં છે. તો કેટલાક લોકોની ધીરજ ખૂટતા આખરે તેઓ જીવને જોખમમાં મૂકી ધસમસતા પાણીમાં નદીને પાર કરવા પ્રયત્ન કરી રહ્યા છે.
જોકે છેલ્લા બે દિવસથી નદીના કાંઠા વિસ્તારની આસપાસના ગ્રામજનો અહીં ફસાયેલા છે. ત્યારે મુશ્કેલીનો સામનો કરી રહેલા જીવના જાખમે નદી પાર કરી રહ્યાં છે. વરસાદી પાણીની ઓસર્યા બાદ નદીના બંને કાંઠે ફસાયેલા લોકો પોતાના ઘરે જઈ શકશે. ગામના લોકોની માંગ છે કે, અહિયાં પુલ બનાવવામાં આવેતો વરસાદી પાણી ભરાવવાની સમસ્યા કાયમી ઉકેલ આવી શકે તેમ છે.