મોરબીમાં કાંતિલાલ જીવતા સમાધી લેશે એવી ચર્ચાએ અધિકારીઓને દોડતા કર્યાં
મોરબીના પીપળીયા ગામના રહેવાસી કાંતિલાલ મુછડીયાએ જીવતા સમાધિ લેવાની જાહેરાત કર્યા બાદ જિલ્લા તંત્ર અને પોલીસ તંત્ર દોડતું થયું હતું અને કાંતિલાલના નિવેદનો નોંધી પોલીસ સતત નજર રાખી રહી છે. દરમિયાન મોરબી અધિક કલેક્ટર કેતન જોષી અને એસપી ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એક ટીમ બનાવવામાં આવી છે જે ટીમના ડીવાયએસપી મુનાફખાન પઠાણ, મામલતદાર ડી જે જાડેજા, નાયબ મામલતદાર ગંભીર અને તાલુકા પીએસઆઈ જાડેજા સહિતની ટીમ ગઇકાલે કાંતિલાલના ઘરે પહોંચી હતી અને સમજાવવા પ્રયાસ કર્યા હતા. જે સમજાવટ માટેની બેઠક બાદ ડીવાયએસપી મુનાફખાન પઠાણે જણાવ્યું હતું કે કાંતિલાલ કોઈ ખોટું પગલું ના ભરે તે સમજાવવા ટીમ આવી હતી અને તેઓ ખાડો ખોદીને સમાધિ લેવાની વાત કહી નથી તેમને નિવેદનમાં એવું જણાવ્યું છે કે તે સમાધિ સ્થળે ધ્યાનમાં બેસી જશે અને તેનો પ્રાણ છૂટી જશે તો ગુરુની વાત સાચી થશે નહીં તો હું ખોટો પડીશ તેમ જણાવ્યું હતું. જોકે બીજા દિવસે કાંતિલાલ મુછડિયા સાથે ફરીથી વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે તેઓ કોઈ ગેરકાનૂની પગલું નહીં ભરે, જિલ્લા એસપીએ તેમને સમજાવ્યા છે અને તેઓ પણ કાયદાને માન આપશે તેમજ ખુલ્લામાં માત્ર પડદો રાખી તે ધ્યાનમાં બેસી જશે અને પ્રાણ ત્યાગશે આમ આજે પણ ગોળગોળ જવાબો આપ્યા હતા.