અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર વાહન પાર્ક કરવાનો આટલો ચાર્જ ચુકવવો પડશે
અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશન પર પાર્કિંગ કરવા માટે હવે વધારે પૈસા ખર્ચવા પડશે. પહેલા તમે ગમે તેટલા કલાક સુધી પાર્કિંગ કરો, 20 રુપિયા ચાર્જ લેવામાં આવતો હતો, હવે પ્રતિ ચાર કલાકના 35 રુપિયા ચાર્જ લેવામાં આવશે. ઈન્ડિયન રેલવે દ્વારા અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ જેવી નવી પાર્કિંગ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે.અધિકારીઓના જણાવ્યા અનુસાર, જો તમે સ્ટેશન પર કોઈને મુકવા આવો છો તો તમારે 15 મિનિટમાં પાર્કિંગ એરિયા છોડી દેવો પડશે, 15 મિનિટ પછી 35 રુપિયા પાર્કિંગ ફી ચુકવવાની રહેશે. જે લોકો દરરોજ રેલવે સ્ટેશન પર પોતાના વાહન પાર્ક કરીને ટ્રેનથી બીજા કોઈ સ્થળે જાય છે તેમને આ નવી સિસ્ટમ મોંઘી પડશે.
અધિકારીના જણાવ્યા અનુસાર, કાર માલિકોએ 12 કલાકના 105 રુપિયા ચુકવવાના રહેશે. પ્લેટફોર્મ નજીકની પ્રીમિયમ પાર્કિંગ ફેસિલીટી માટે પ્રતિ ચાર કલાકનો ચાર્જ 100 રુપિયા રહેશે. અધિકારીઓનું કહેવું છે કે, પાર્કિંગ એરિયા નાનો છે, અને ઘણાં લાંબા સમય સુધી પાર્ક કરી રાખતા વાહનોની સમસ્યા દૂર કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. એક સીનિયર અધિકારી આ બાબતે જણાવે છે કે, અમે નોટિસ કર્યું કે સ્ટેશનની આસપાસના વિસ્તારમાં કામ કરતા લોકો પણ અહીં પોતાના વાહન પાર્ક કરે છે. નવી પોલિસીને કારણે લોકો આમ કરતા બંધ થશે.