કાજલ હિન્દુસ્તાનીએ કરેલી ટિપ્પણીનો વિવાદ વધુ વકર્યો, વિરોધમાં પાટીદારોનું મહાસંમેલન
કાજલ હિંદુસ્તાનીએ મોરબી પાટીદાર સમાજની દીકરીઓ પર કરેલી ટિપ્પણીનો વિવાદ વધુ વકરી રહ્યો છે. અગાઉ પોલીસ મથકમાં અરજી કરવા ઉપરાંત પાટીદાર સમાજે રેલી કાઢી આવેદન પાઠવી માફીની માગ કરી હતી. છતાં કાજલ હિંદુસ્તાનીએ માફી નહિ માંગતા આજે પાટીદાર સમાજે મહાસંમેલન યોજ્યું હતું. જેમાં કાજલ હિંદુસ્તાની માફી ના માગે ત્યાં સુધી પાટીદાર સમાજના સ્ટેજ પર સ્થાન નહિ આપવા તેમજ કોર્ટમાં 15 અલગ અલગ ફરિયાદ કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો. જ્યારે પાટીદાર સમાજના અગ્રણીએ કાજલ હિંદુસ્તાનીને કાફર પાકિસ્તાનીનું ઉપનામ આપ્યું હતું.
મોરબીના બાપા સીતારામ ચોકમાં પાટીદાર સમાજનું મહાસંમેલન યોજાયું હતું. જેમાં પાટીદાર સમાજનાં ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. સમાજના અગ્રણીઓ, સંસ્થાના અગ્રણીઓ અને સિરામિક એસો.ના હોદ્દેદારો સહિતના આગેવાનો મહાસંમેલનમાં જોડાયા હતા. જે સંમેલનમાં કાજલ હિંદુસ્તાનીએ કરેલી અભદ્ર ટિપ્પણી અંગે રોષ પ્રગટ કરવામાં આવ્યો હતો. પાટીદાર સમાજે એકસૂરે માફીની માગ કરી હતી. જે મહાસંમેલન અંગે પાટીદાર અગ્રણી ટી.ડી.પટેલે જણાવ્યું હતું કે, કાજલ હિંદુસ્તાનીએ હિન્દુની દીકરી થઈને હિંદુ દીકરીઓ પર જે વાણીવિલાસ કર્યો છે જે હિંદુ સંસ્કૃતિનાં લક્ષણ નથી. આજથી અમે કાજલ હિંદુસ્તાનીને કાફર પાકિસ્તાની કહીશું. તેમજ જ્યાં સુધી માફી નહિ માંગે ત્યાં સુધી પાટીદાર સમાજના એકપણ કાર્યક્રમમાં સ્ટેજ પર સ્થાન ના આપવું તેવી પાટીદાર સમાજને અપીલ કરી હતી.
ઉમા મહિલા સંગઠન સમિતિ સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ, સરોજબેન મારડિયાએ જણાવ્યું હતું કે, સુરતની સભામાં કાજલ હિંદુસ્તાનીએ મોરબી પાટીદાર સમાજની દીકરીઓ અને કોલેજની વિદ્યાર્થિનીઓ પર જે ગંભીર આક્ષેપો કર્યા તે નિંદનીય છે. આવી ઘટના મોરબીમાં બની જ નથી. કાજલબેન ભૂલ થઇ છે તે સ્વીકારી લો, મોટા અગ્રણીઓ પોતાના નિવેદન પરત લેતા હોય છે તો તેઓ કેમ માફી માંગતાં નથી. ભૂલ સ્વીકારી માફી માંગે તેવી પાટીદાર સમાજની માગ છે. ભૂલ નહિ સ્વીકારે તો આવનાર દિવસોમાં વડીલો અને આયોજકો જે કાર્યક્રમો યોજશે તેમાં સમાજ સાથે રહેશે.સિરામિક એસો. પ્રમુખ મુકેશ કુંડારિયાએ જણાવ્યું હતું કે, પાટીદાર દીકરીઓ પર ટિપ્પણી અંગે પાટીદાર સમાજે રેલી યોજી માફીની માગ કરી હતી છતાં માફી નહિ માંગતા આજે મહાસંમેલન યોજાયું હતું. માફી ના માંગે તો કોર્ટમાં કાર્યવાહી કરવામાં આવશે. આવનાર દિવસોમાં 15 જેટલા પાટીદાર યુવાનો કેસ દાખલ કરશે અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.