રવિવાર, 10 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 27 જુલાઈ 2023 (07:05 IST)

Junagadh Building Collapses : પતિ અને બે પુત્રનાં મોત બાદ માતાએ ઍસિડ પીને જીવન ટૂંકાવ્યું

Junagadh Building Collapses
જૂનાગઢના દાતાર રોડ પર એક જર્જરિત ઇમારત ધરાશાયી થતા ચાર લોકોનાં મોત થયાં હતાં. મૃતકોમાં એક જ પરિવારના ત્રણ સભ્યો પણ સામેલ હતા.
 
એક જ પરિવારમાંથી પિતા અને બે પુત્રનાં મોત થતાં બચી ગયેલાં માતા મયૂરીબહેન આઘાતમાં સરી પડ્યાં હતાં અને પરિવારના કહેવા પ્રમાણે તેમણે ઍસિડ પીને આત્મહત્યા કરી લીધી છે.
 
મૃતકના પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી ન કરાતા બચી ગયેલાં મહિલાએ પોતાનું જીવન ટૂંકાવી દીધું.
 
પોતાનો આખો પરિવાર ગુમાવનારા વિજયભાઈ ડાભીએ ભારે અવાજે બીબીસીને કહ્યું, “આ જીવતા બૉમ્બ જેવી જર્જરિત ઇમારતે મારા દીકરાનો ભોગ લીધો છે. અમારા પરિવાર પર જે વજ્રાઘાત પડ્યો છે તે અન્ય કોઈ પર ન પડે તેથી કાર્યવાહી કરો.”
 
દુર્ઘટનામાં બચી ગયેલાં મહિલાનો આપઘાત
 
 દુર્ઘટના બાદ કાટમાળ નીચેથી મૃતદેહ બહાર કાઢયા હતા
 
મૃતક સંજયભાઈ ડાભી દુર્ઘટના સર્જાઈ એ સમયે બિલ્ડિંગની નીચે પોતાની રિક્ષામાં (પોતાના પુત્ર તરુણ અને દક્ષ) સાથે બેઠા હતા અને તેમનાં પત્ની મયૂરીબહેન શાક લેવા ગયાં હતાં.
 
જોકે એ સમયે જ અચાનક બિલ્ડિંગ ધસી પડતાં ત્રણેયનાં મોત થયાં હતાં. મયૂરીબહેન શાક લેવાં ગયાં હોવાથી બચી ગયાં હતાં, પણ પરિવારના ત્રણ સભ્યોનાં મોત થતાં તેઓ આઘાતમાં સરી પડ્યાં હતાં.
 
દુર્ઘટનામાં એક જ પરિવારના ત્રણ સભ્યનાં મૃત્યુ થયાં બાદ પરિવારનો કોઈ આધાર ન હતો. સંજયભાઈ ડાભીના પિતાનું પાંચ વર્ષ પહેલાં મૃત્યુ થયું હતું. કોરોનાની મહામારીમાં તેમનાં માતાએ પણ જીવ ગુમાવ્યો હતો.
 
માતાના મૃત્યુ બાદ પરિવારમાં ચાર જ સભ્યો હતા. 13 વર્ષનો તરુણ પાંચમા ધોરણમાં અભ્યાસ કરતો હતો, સાત વર્ષનો દક્ષ આંગણવાડીમાં જતો હતો. સંજયભાઈ રિક્ષા ચલાવીને પરિવારનું ભરણપોષણ કરતા હતા.
 
રાજુભાઈ સોલંકીએ દાવો કર્યો કે તેમણે દુર્ઘટના બાદ મયૂરીબહેન સાથે મુલાકાત કરી હતી. તેમની સાથેની વાતચીતમાં મયૂરીબહેને પરિવારના સભ્યોને ન્યાય અપાવવા માટે લડત લડવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
 
બીબીસીના સહયોગી પત્રકાર હનીફ ખોખર સાથેની વાતચીતમાં રાજુભાઈ સોલંકીએ કહ્યું “જૂનાગઢ દુર્ઘટનામાં ત્રણ લોકોનાં મૃત્યુ થયાં છે. હું પીડિત પરિવારના ઘરે ગયો ત્યારે મયૂરીબહેને મને કહ્યું હતું કે રાજુભાઈ મારાં પંખીનો માળો વિખરાઈ ગયો છે, બીજા કોઈનો માળો ન વિખરાય એના માટે મારે લડાઈ લડવી છે.”
 
જોકે દુર્ઘટના બાદ પરિવારનાં એકમાત્ર જીવિત મયૂરીબહેન આઘાતમાં સરી પડ્યાં હતા. તેમને સારવાર માટે હૉસ્પિટલ ખસેડાયાં હતાં. પણ બાદમાં ગઈ કાલે બપોર બાદ તેમને હૉસ્પિટલથી રજા આપી દેવામાં આવી હતી.
 
મંગળવારે સાંજે અચાનક તેમણે ઍસિડ પીને જીવ આપી દીધો હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું.
 
બીબીસીના સહયોગી પત્રકાર હનીફ ખોખરે મયૂરીબહેનના ભાઈ પુનીત માધડ સાથે વાત કરી હતી.
 
તેમણે કહ્યું હતું, “બિલ્ડિંગ નીચેથી સાંજે સાત વાગ્યે મારા બનેવી અને ભાણેજની લાશ મળી હતી. આજે મારી બહેને ઍસિડ પીધું છે. અમારે કમિશનર પર કેસ કરવો હતો, અમને કોઈએ ન્યાય ના આપ્યો. અમને ન્યાય મળવો જોઈએ.”
 
દુર્ઘટના બાદ આરોપ-પ્રત્યારોપ
દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ત્રણ મૃતકો દલિત પરિવારના છે. આથી દુર્ઘટના થતા દલિત સમાજના અગ્રણી અને પૂર્વ કૉર્પોરેટર રાજુભાઈ સોલંકી ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને કૉર્પોરેશનની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા.
 
તેમણે ધાર્મિક સ્થાનો પર કરાતા ડિમોલિશનને પણ આ ઘટના સાથે સાંકળીને કૉર્પોરેશનના અધિકારીઓ પર આરોપ લગાવ્યા હતા.
 
બીબીસીના સહયોગી પત્રકાર હનીફ ખોખર સાથેની વાતચીતમાં તેમણે કહ્યું “મહાનગરપાલિકા ધર્મસ્થાનોને હટાવવા માટે રાતોરાત પોલીસ લઈને પહોંચી જાય છે. પરંતુ આવી જર્જરિત ઇમારતોનું ડિમોલિશન કેમ નથી કરાતું? મહાનગરપાલિકાના કમિશનર અને ગામિતસાહેબે પાસે દરગાહો અને મંદિર પાડવાં હોય તો તેમની પાસે પોલીસ છે, તેમની પાસે જેસીબી છે. પણ આવી જાનહાનિ થાય એવી બિલ્ડિંગ પાડવાનો તેમની પાસે સમય નથી.”
 
બિલ્ડિંગ ધરાશાયી થઈ તે સમયે જૂનાગઢના ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા.
 
તેમણે દાવો કર્યો હતો કે મહાનગરપાલિકાએ નોટિસ તો આપી પણ તેની અમલવારી નથી કરાઈ.
 
મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું, “આ બિલ્ડિંગ જર્જરિત હતી. જૂનાગઢમાં 185 બિલ્ડિંગને નોટિસ આપવામાં આવી હતી, પણ ખાલી નોટિસ આપે એમાં કોઈ સમજે નહીં. આ બિલ્ડિંગ ચાર દિવસમાં જ પાડી નાખવી જોઈએ અને આ કામગીરી ચાલુ કરાવવી જોઈએ. નોટિસ આપી છે એની અમલવારી નથી થઈ.”
 
પરિવારના સંબંધી પણ ભાજપનાં જ કૉર્પોરેટર દિવાળીબહેન પરમાર છે. તેમણે પણ મહાનગરપાલિકાને જર્જરિત બિલ્ડિંગ તાત્કાલિક દૂર કરવાની અપીલ કરી હતી.
 
દિવાળીબહેને હનીફ ખોખરને કહ્યું, “દાતાર રોડ પર આવેલા શાકમાર્કેટ પાસે જે દુર્ઘટના ઘટી તે ખૂબ દુખદ છે. આવી ઘટના ન થવી જોઈએ. મારી મહાનગરપાલિકાને નમ્ર વિનંતી છે કે જે પણ બિલ્ડિંગ જર્જરિત થઈ હોય તેને તાત્કાલિક ધોરણે ઉતારી લેવામાં આવે.”
 
અમદાવાદ અકસ્માત : આરોપી તથ્યના પિતા પ્રજ્ઞેશ કોણ છે જેના પર નોંધાયા છે ગૅંગરેપ સહિતના 12 ગુના
 
‘અમારા પર પડ્યો એવો વજ્રાઘાત બીજા પર ન પડે’
રાજુભાઈ સોલંકીએ દાવો કર્યો કે આ જ મકાનને છ વર્ષ પહેલાં નોટિસ અપાઈ હતી, છતાં કૉર્પોરેશને કોઈ કામગીરી ન કરી.
 
રાજુભાઈએ ઉમેર્યું, “જૂનાગઢમાં 184 બિલ્ડિંગનો નોટિસ અપાઈ છે. આ બિલ્ડિંગ પડી એના છ વર્ષ પહેલાં પણ નોટિસ આપેલી હતી. સરકાર પાસે અમારી અપેક્ષા છે કે જે 184 બિલ્ડિંગોને નોટિસ અપાઈ છે તે બિલ્ડિંગોને તાત્કાલિક પાડે જેથી બીજી કોઈ જાનહાનિ ન થાય.”
 
મૃતક સંજયભાઈ ડાભીના કાકા વિજયભાઈ ડાભીએ કહ્યું, “આ જીવતા બૉમ્બ જેવી જર્જરિત ઇમારતે મારા દીકરાનો ભોગ લીધો છે. મારું તંત્રને કહેવું છે કે આ લટકતી આ ઇમારતોને તાત્કાલિક ઉતારી લેવામાં આવે અને યોગ્ય કાર્યવાહી કરે. જેથી અમારા પરિવાર પર જે વજ્રાઘાત પડ્યો છે તે અન્ય પરિવાર પર ન પડે. નોટિસો આપીને જવાબદારી નથી નિભાવી તેમની સામે પણ યોગ્ય કાર્યવાહી થાય.”
 
 દુર્ઘટના બાદ બેઠકોનો દૌર 
 
 બિલ્ડિંગ ધરાશાયી થયા બાદ જૂનાગઢ મહાનગરપાલિકાની બેઠક યોજાઈ હતી
 
દુર્ઘટનાના ત્રીજા દિવસે જૂનાગઢ મહાનગરપાલિકાના પદાધિકારીઓએ એક સંકલન બેઠક યોજી હતી. જેમાં મેયર ગીતાબહેન, શહેર પ્રમુખ પુનીતભાઈ, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
 
આ સંકલન સમિતિની બેઠકમાં જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય કરાયો હતો, જેમાં તપાસ સમિતિની રચના કરવા માટે મુખ્ય મંત્રીને પત્ર લખાયો છે.
 
તમામ અધિકારીઓ સોમવારે મુખ્ય મંત્રીને મળવા પણ જવાના છે. તેમણે દાવો કર્યો કે જર્જરિત બિલ્ડિંગ ઉતારી લેવાની કામગીરી આજથી જ શરૂ થઈ ગઈ છે.
 
મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું, “જે પણ બિલ્ડિંગોને નોટિસ આપવામાં આવી હતી તેને ઉતારી લેવાની કામગીરી આજથી જ શરૂ થઈ ગઈ છે. પ્રાથમિકતાના ધોરણે બિલ્ડિંગ પાડવાની કામગીરી કરવામાં આવશે. વરસાદ બાદ કઈ ઇમારતોમાં નુકસાન થયું છે તેનો સર્વે કરવામાં આવશે. તેના માટે 15 એન્જિનિયર સાથે ટાઉન પ્લાનિંગ ઑફિસર કામ કરશે.”
 
દુર્ઘટના સમયે ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ કમિશનર રાજેશ તન્નાના વર્તનને લઈને નારાજગી વ્યક્ત કરી હતી.
 
ઘટનાસ્થળે ધારાસભ્ય સંજય કોરડિયા અને કમિશનર વચ્ચે બોલાચાલીનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.
 
જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર રાજેશ તન્ના અને ટાઉન પ્લાનર બિપિન ગામીત પર કામગીરીને લઈને આરોપો લાગ્યા છે. તેમણે માત્ર નોટિસ આપીને સંતોષ માન્યો હોવાનો પણ ખુદ ડેપ્યુટી મેયરે કહ્યું છે.
 
આરોપો સામે આ બન્ને અધિકારીની પ્રતિક્રિયા લેવાનો બીબીસીએ પ્રયત્ન કર્યો હતો. પણ તેમનો સંપર્ક નહોતો થઈ શક્યો.