ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 1 એપ્રિલ 2021 (18:48 IST)

રીમડિસીવર ઇન્જેક્શનનો પુરતો જથ્થો રાજ્યમાં ઉપલબ્ધ: ડૉ. એચ.જી.કોશીયા

ફ્રુડ એન્ડ ડ્રગ કમિશ્નર ડૉ. એચ.જી.કોશીયાએ જણાવ્યુ છે કે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્રસચિવ ડૉ. જયંતિ રવી અને ખોરાક અને ઔષધ નિયમન તંત્રની સીધી દેખરેખ અને પ્રયાસો થકી રેમડેસીવિર ઇન્જેક્શનનો પુરતો જથ્થો ઉપલબ્ધ કરવામાં આવેલ છે. આજરોજ ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓના દવા બજાર અને પ્રાઇવેટ હોસ્પિટલોમાં ૧૩,૮૬૦ ઇન્જેક્શન ઉપલબ્ધ કરવામાં આવેલ છે. 
 
જે પૈકી અમદાવાદમાં ૫૪૭૮ ઇન્જેક્શન, વડોદરામાં ૨૨૯૦ ઇન્જેક્શન, સુરતમાં ૧૮૫૨ ઇન્જેક્શન, રાજકોટમાં ૨૧૬ ઇન્જેક્શન, મહેસાણામાં ૪૧૪ ઇન્જેક્શનનું વિતરણ કરવામાં આવેલ છે. આ ઉપરાંત કંપનીના ડેપોમાં હાલમાં ઉપલબ્ધ આશરે ૧૯,૧૦૫ ઇન્જેક્શનનો જથ્થો જિલ્લાઓમાં વિતરણ થવામાં આવનાર છે, આમ કુલ ૩૨,૯૬૫ ઇન્જેક્શનનો જથ્થો રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં વિતરણ થવામાં આવનાર છે.
 
રેમડેસીવિર ઇન્‍જેક્શનના ઉત્પાદકો જેમ કે, Hetero Drugs Ltd., Cipla Ltd., Mylan Laboratories Ltd., Cadila Healthcare Ltd., Dr. Reddy's Lab. Ltd., Jubilant Lifescience Ltd. પૈકી ગુજરાત રાજ્યના ઉત્પાદક Zydus Cadila દ્વારા ૩૦,૦૦૦ ઇન્‍જેક્શનોનું દૈનીક ઉત્પાદન કરવામાં આવે છે. કોરોનાની સારવાર માટે પ્રત્યેક દર્દી દીઠ ૬ ઇન્‍જેક્શનની જરૂર પડતી હોઇ દરરોજના ૫,૦૦૦ દર્દીઓની સારવાર કરી શકાય તેટલા ઇન્જેક્શનનું ઉત્પાદન Zydus Cadila દ્વારા કરવામાં આવે છે.
 
વધુમાં ફુડ એન્ડ ડ્રગ કમિશ્નર ડૉ. એચ.જી.કોશીયાએ જાહેર જનતાને મિડીયાના માધ્યમથી અપીલ કરેલ છે કે ગુજરાત રાજ્યમાં કોરોનાની સારવાર માટે વપરાશમાં લેવામાં આવતા મેડીકલ ઓક્સીજન, રેમડેસીવીર ઇન્‍જેક્શન, ફેવીપીરાવીર ટેબલેટ વિગેરે પુરતા પ્રમાણમાં જથ્થો સરકારી તેમજ પ્રાઇવેટ હોસ્પિટલો તથા દવા બજારમાં ઉપલબ્ધ છે. એટલે રાજ્યના નાગરિકોએ આ દવાની અછત અંગે ગભરાટ કે દહેશત રાખવાની સહેજ પણ જરૂર નથી.