આવતીકાલથી આગામી 4 દિવસ સુધી ઠંડી વધશે, આબુના રસ્તાઓ પર બરફના પડ જામી જતા પ્રવાસી ઝૂમી ઉઠ્યાં
રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ધીરે-ધીરે વધી રહ્યું છે. ઉત્તર ભારતમાં હિમવર્ષાના પગલે ગુજરાતમાં ઠંડીએ જોર પકડ્યું છે. ત્યારે હવામાન વિભાગે આવતીકાલથી અમદાવાદમાં ઠંડીનો પારો વધવાની આગાહી કરી છે. જ્યારે 17 ડિસેમ્બરે તાપમાન 10 ડિગ્રી સુધી પહોંચી શકે છે. હાલમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં સવારની તુલનામાં રાત્રે ઠંડીનું પ્રમાણ વધારે નોંધાયું છે. બીજીતરફ આબુમાં તાપમાન 0 ડિગ્રીએ પહોંચતા અનેક રસ્તાઓ પર બરફના પડ જામી ગયા હતા. હવામાનની આગાહી અનુસાર, આગામી 24 કલાક ગુજરાતમાં વાતાવરણ સામાન્ય રહેશે.અમદાવાદમાં આવતીકાલથી ઠંડી વધશે. જેમા 13 ડિસેમ્બરે 14થી 16 ડિગ્રી, 15 ડિસેમ્બરે 15થી 15 ડિગ્રી, 17 ડિસેમ્બરે 14 ડિગ્રી અને 18 ડિસેમ્બરે 13 ડિગ્રી ઠંડી રહેશે. જ્યારે રાજ્યના અન્ય શહેરોની વાત કરીએ તો વડોદરામાં 17, ભૂજમાં 14, જુનાગઢમાં 17, નલિયામાં 9, ભાવનગરમાં 16, અમરેલીમાં 17, રાજકોટમાં 16 તેમજ પાટણમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે.કોરોનાના કેસ ઘટતા હાલમાં હીલ સ્ટેશન માઉન્ટ આબુમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. ખાસ કરીને કપલોની સંખ્યા વધી છે. બીજીતરફ આબુમાં ઠંડીનો પારો દિન-પ્રતિદિન ગગડી રહ્યો છે. માઉન્ટ આબુમાં ગઈકાલે તાપમાન 0 ડિગ્રી હતું. જેના કારણે અનેક રસ્તાઓ, ઝાડ તેમજ વાહનો પર બરફના પડ જામી ગયા હતા. જેના કારણે લોકો વહેલીવારે આબુમાં રસ્તાઓ પર બરફની ચાદર પર મોજમસ્તી તેમજ ફોટોગ્રાફી કરતા જોવા મળ્યા હતા.રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. ગુજરાતમાં ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ઠંડીનું જોર વધુ રહે છે. ડિસેમ્બરનું એક સપ્તાહ વીતી ગયું છે તેમ છતાં પણ લઘુતમ તાપમાન સામાન્ય કરતાં ઊંચું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 48 કલાકમાં કોલ્ડવેવ શરૂ થશે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં લઘુતમ તાપમાન 2થી 3 ડીગ્રી ઘટશે, જેથી આગામી બેથી ત્રણ દિવસમાં ઠંડીનું જોર વધશે.