ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 5 ઑગસ્ટ 2019 (10:25 IST)

નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનું હવે NIMCaR તરીકે રૂપાંતર કરાશે

અમદાવાદ: અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે યોજાયેલા એક ભવ્ય સમારંભમાં વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્ડેશને (VSEF) ને તેનું વર્ષ 2021નું વિઝન જાહેર કર્યુ છે. આ વિઝન હેઠળ નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (NIMCJ)નું હવે નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ મિડીયા કોમ્યુનિકેશન એન્ડ રિસર્ચ (NIMCaR)તરીકે રૂપાંતર કરવામાં આવ્યું છે. આ સમારંભમાં પદ્મશ્રી એવોર્ડ વિજેતા અને અભિનેતા મનોજ જોષી મુખ્ય મહેમાન હતા અને ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર હિંમાંશુ પંડ્યા અતિથી વિશેષ તરીકે હાજર રહ્યા હતા. આ સમારંભમાં મિડીયા, શિક્ષણ અને ઉદ્યોગ જગતના મહાનુભવો હાજર રહ્યા હતા. આ પ્રસંગે વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્ડેશનના મેનેજીંગ ટ્રસ્ટી પ્રદિપ જૈને જણાવ્યું હતું કે એનઆઈએમસીએઆરનું રૂપાંતર લાંબી વિચારણા અને સંશોધન પછી કરાયું છે.
જૈને તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે "અમે ભારત અને અમેરિકાની ટોચની સંસ્થાઓની મુલાકાત લઈ તે કેવું કામ કરે છે અને આપણે તેમાંથી શું શિખી શકીએ તથા એનઆઈએમસીએઆરમાં શું ઓફર કરી શકીએ તેનો અભ્યાસ કર્યો હતો. જેનું પ્રતિબિંબ એનઆઈએમસીએઆરમાં જોવા મળશે." જૈને વધુમાં જણાવ્યું હતું કે એનઆઈએમસીએઆર, માસ કોમ્યુનિકેશન અને જર્નાલિઝમ ક્ષેત્રે ઉત્તમ અભ્યાસક્રમો તો આપશે, પણ સાથે સાથે સંશોધન પણ તેનો કેન્દ્રિત વિષય બની રહેશે. તેમણે જણાવ્યું હતું કે ઈન્સ્ટીટ્યુટ ખાતે ન્યૂઝિયમ અથવા તો મિડીયા મ્યુઝિયમની રચના કરવામાં આવશે, જેમાં વર્ચ્યુઅલ મિડીયા મારફતે મિડીયાનો વર્તમાન અને ભૂતકાળ દર્શાવવામાં આવશે.
એકત્ર થયેલા સમુદાયને સંબોધન કરતાં ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડૉ હિમાંશુ પંડ્યાએ જણાવ્યું હતું કે "આ ઈન્સ્ટીટ્યુટમાં રિપોર્ટર્સ અથવા ન્યૂઝમેકર્સ જ નહીં, પણ કોમ્યુનિકેટર્સ તૈયાર થશે. આ કોમ્યુનિકેટર્સની જવાબદારી જે કંઈ ઘટનાઓ બની રહી હોય તે અંગે સંવેદનશીલતા સાથે મજબૂત સંદેશ આપવાની બની રહેશે." પદ્મશ્રી એવોર્ડ વિજેતા મનોજ જોષીએ તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે કોમ્યુનિકેટર્સ દેશને નવી દિશા આપશે અને તે વિઝન 2021 બની રહેશે. જોષીએ જણાવ્યું હતું કે "મિડીયા અને મિડીયા પ્રોફેશનલ્સે માત્ર માહિતી જ આપવાની નહીં, પરંતુ રાષ્ટ્ર નિર્માણની ભૂમિકા બજાવવાની રહે છે."
 
વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્ડેશનના વિઝન 2021 અંગે રૂપરેખા આપતાં એનઆઈએમસીજેના ડિરેક્ટર ડો. શિરીષ કાશીકરે જણાવ્યું હતું કે "એનઆઈએમસીજેની જ્ઞાન યાત્રા વર્ષ 2007માં શરૂ થઈ હતી અને આગામી બે વર્ષમાં એનઆઈએમસીએઆરના નિર્માણ સાથે તે નવી ઉંચાઈએ પહોંચશે. છેલ્લા બે વર્ષમાં એનઆઈએમસીજેની ગણના દેશની ટોચની માસ કોમ્યુનિકેશન સંસ્થાઓમાં થઈ છે અને વિઝન  2021 એ આ પ્રકારના ગુણવત્તાયુક્ત શિક્ષણની ભાવિ મજલનું પ્રતિબિંબ છે."
 
એનઆઈએમસીએઆરની સ્થાપના ભારતમાં મિડીયા ઉદ્યોગના ઝડપી વિકાસ સાથે કદમ મિલાવવા માટે થઈ છે અને તે ઉભરતા મિડીયા પ્રોફેશનલ્સને યોગ્ય કૌશલ્ય અને આધુનિક ટેકનિકલ જાણકારી પૂરી પાડીને સજ્જ કરવાનું કામ કરશે.
 
તા.7 ફેબ્રુઆરી, 2019ના રોજ શિલારોપણ વિધિ કરાયા પછી એનઆઈએમસીએઆર વાસ્તવિકતા બન્યું છે. તેનું સંકુલ ગાંધીનગર નજીક કલોલ તાલુકાના હાજીપુરા ગામે આકાર લઈ રહ્યું છે. 5 એકર વિસ્તારમાં પથરાયેલા આ સંકુલમાં મુખ્ય અભ્યાસક્રમો પૂરાં પાડવા ઉપરાંત તેને અતિ આધુનિક સ્ટુડિયો, મિડીયા રિસર્ચ સેન્ટર, મિડીયા મ્યુઝિયમ, કોમ્પ્યુટર લેબ, લાયબ્રેરી, ઓડિટોરિયમ અને અન્ય સુવિધાઓથી સજ્જ કરીને મિડીયા અને કોમ્યુનિકેશન એજ્યુકેશનમાં પરિવર્તન લાવવાનો પ્રયાસ કરાયો છે.
વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્ડેશને નેશનલ એડવાઈઝરી કાઉન્સીલની સ્થાપના કરી છે, જેમાં પ્રસિધ્ધ મિડીયા પ્રોફેશનલ્સ, મેન્ટર્સ અને શિક્ષણ જગતના મહાનુભવોનો સમાવેશ કરી એનઆઈએમસીએઆર પ્રોજેક્ટના અમલીકરણને આગળ ધપાવાશે. આ કાઉન્સીલનું નેતૃત્વ અર્થશાસ્ત્રી અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ડિરેક્ટર એસ. ગુરૂમુર્થી સંભાળશે.
 
વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્ડેશને ઈન્સ્ટીટ્યુટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (NIMCJ) ની સ્થાપના વર્ષ 2007માં કરી હતી, જે બેચલર ઓફ જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન (BJMC) નો અભ્યાસક્રમ પૂરો પાડવા ઉપરાંત માસ કોમ્યુનિકેશન અને જર્નાલિઝમ ક્ષેત્રે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઓફર કરે છે