માણાવદરમાં 2 વર્ષના માસૂમને 3 કૂતરાએ ફાડી ખાધો, હોસ્પિટલ પહોંચે એ પહેલાં જ મોત
જૂનાગઢમાં રખડતાં ઢોર પ્રત્યે તંત્રની ઉદાસીનતાને લીધે વધુ એક માસૂમે જીવ ખોયો છે. વન્ય પ્રાણીઓના હુમલા બાદ હવે રખડતા કૂતરાઓએ માત્ર 2 વર્ષના બાળક ઉપર હુમલો કરતાં તેનું સારવાર દરમિયાન મોત થયું છે. આ ઘટના બાદ ગામલોકોમાં તંત્ર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે.
જૂનાગઢ જિલ્લાના માણાવદર પંથકના ગણા ગામે છોટાઉદેપુરના નાનાવટા ગામનો પરિવાર મજૂરી અર્થે આવેલો હતો. એમાં જગદીશ રાઠવાના 2 વર્ષના રવીન્દ્ર નામનો પુત્ર પોતાના ઘર પાસે રમતો હતો. ત્યારે 3 કૂતરા આવી ચડ્યા હતા અને તેને ફાડી ખાધો હતો. બાળક કંઈક અવાજ કરે એ પહેલાં તેનું મોત થઈ ગયું હતું. બાદમાં જ્યારે કૂતરાના અવાજના લીધે પરિવારના સભ્યો બહાર આવ્યા હતા. તાત્કાલિક પરિવારે બાળકને હોસ્પિટલ લઇ ગયા હતા, પરંતુ સારવાર મળે એ પહેલાં જ બાળકનું મોત થયું હતું.