ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 16 નવેમ્બર 2021 (10:19 IST)

રાજ્યમાં વધ્યું ઠંડીનું જોર , ડિસેમ્બરના પ્રથમ સપ્તાહથી વધુ ઠંડી પડવાનું અનુમાન

ભારતના ઉત્તરીય ભાગમાં સતત થઇ રહેલી હિમવર્ષાના લીધે ઠંડીએ જોર પકડ્યું છે. હીમવર્ષાની અસર તળે દેશના તમામ ભાગોમાં ઠંડા પવન ફુંકાઇ રહ્યા છે ત્યારે ગુજરાતમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી ‌વહેલી પરોઢે કડકડતી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. ડિસેમ્બરના પ્રથમ સપ્તાહથી વધુ ઠંડી પડવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
 
બીજી તરફ આજે સિઝનમાં પહેલીવાર નલિયાનું લઘુતમ તાપમાન 10.06 ડિગ્રીએ પહોંચી જતા નલિયા વાસીઓ ઠુંઠવાયા હતા. બીજી તરફ રાજ્યના મોટા ભાગના શહેરના લઘુતમ તાપમાન પણ 18 ડિગ્રીની નીચે રહેતા વહેલી પરોઢે ઠંડી વર્તાઇ હતી. 
 
ત્યારે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી 24 કલાક દરમિયાન રાજ્યભરમાં વર્તમાન ઠંડીનું મોજુ જ‌ળવાઇ રહેશે. પંરતુ ત્યાર બાદ ઠંડી વધવાની વકી છે. આ વર્ષે શિયાળો સમય કરતા મોડો શરૂ થયો છે ત્યારે છેલ્લા પંદર દિવસથી શિયાળો પોતાના પરચો બતાવી રહ્યો છે, ત્યારે ખાસ કરીને રણને સમાંતર આવેલા ગ્રામ્ય વિસ્તારમાં જોરદાર ઠંડી પડી રહી છે.
 
મોડીરાતથી ઠંડીનો પારો ગગડ્યો હતો. અમદાવાદમાં 13.01 ડીગ્રી તો ગાંધીનગર 11.06 ડીગ્રી નોંધાયું છે. જ્યારે સુરત 18.06 ડિગી ,રાજકોટ 14.2 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું  છે. સામાન્ય રીતે દરિયા કાંઠાના વિસ્તારમાં લઘુતમ તાપમાન અન્ય શહેર કરતા સામાન્ય ઉંચુ રહે છે ત્યારે કેટલાક દિવસોથી દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ પારો નીચે સરકી રહ્યો છે.