સુરતમાં શ્વાને બાળકી પર હુમલો કરી ગાલ પર બચકાં ભર્યા
સુરતમાં વધુ એક વખત રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. સુરતના ફૂલપાડા વિસ્તારમાં શ્વાને એક બાળકી પર હુમલો કર્યો હતો અને બાળકીના ગાલ પર બચકા ભર્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે. બીજી તરફ લોકોએ રખડતા શ્વાનને પકડવા માટે મનપામાં ફરિયાદ કરી હતી. જેથી શ્વાન પકડવાની ટીમે ઘટના સ્થળે આવી શ્વાનને પકડી લીધો હતો.
મળતી માહિતી મુજબ ફુલપાડા હંસ સોસાયટી નજીક એક બાળકી પર રખડતા શ્વાને હુમલો કર્યો હતો. બાળકી ઘર પાસે ઉભી હતી અને ત્યારબાદ બાળકી દોડતા દોડતા જઈ રહી હતી. આ દરમિયાન શ્વાન પણ ત્યાં પસાર થઈ રહ્યો હતો દરમિયાન શ્વાને આવી બાળકી પર હુમલો કરી દીધો હતો. શ્વાનના હુમલાના કારણે બાળકી નીચે પટકાઈ હતી અને શ્વાન તેણીને બચકાં ભરતો રહ્યો હતો.બાળકીએ બુમાબુમ કરતા એક મહિલા દોડી આવી હતી અને શ્વાનને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન મહિલાને પણ શ્વાને બચકાં ભરવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાએ પણ બુમાબુમ કરતા આસપાસ રહેતા લોકો દોડી આવ્યા હતા અને બાદમાં શ્વાન ત્યાંથી નાસી છૂટ્યો હતો. શ્વાનના હુમલામાં બાળકીને ગાલ પર ગંભીર ઈજાઓ થઇ હતી. જેથી તેણીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. વધુમાં અહી શ્વાનના આવા આંતકને લઈને રહીશોમાં રોષ જોવા મળ્યો હતો. રહીશો દ્વારા આ મામલે મનપામાં ફરિયાદ કરવામાં આવી હતી, જેથી શ્વાન પકડતી ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ શ્વાનને પકડી લીધો હતો. શ્વાન પકડાઈ જતા રહીશોએ રાહતનો દમ લીધો છે.