મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 26 મે 2022 (15:13 IST)

માતા-પિતાને ચેતવતો કિસ્સો - ખેડામાં બે ભાઈઓ વચ્ચે ગેમ રમવા બાબતે મનદુઃખ થતાં એક ભાઈએ બીજા ભાઈને પથ્થર મારી કૂવામાં ફેંકી દીધો

crime news
બાળકોમાં મોબાઈલ ગેમ્સના દુષણનો વ્યાપ વધતો જઇ રહ્યો છે, જેમાં મોબાઈલના વ્યસનથી નડિયાદના એક કિશોરનો જીવ ગયો છે. મોબાઈલ ગેમ્સ રમવા બાબતે થયેલા મનદુઃખમાં કિશોરે પોતાના પિતરાઈ ભાઈને પથ્થર મારી કૂવામાં ફેંકી દેવાની ચકચારી ઘટના આજે ખેડા જિલ્લામાં પ્રકાશમાં આવી છે. ખેડા તાલુકાના ગોબલેજ ગામે બનેલા બનાવથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

ખેડા ટાઉન પોલીસે આ સંદર્ભે કિશોર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.મૂળ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના દામસાથ ગામના અને હાલ ખેડા પાસેના ગોબલજ ગામની સીમમાં પીક એન્ટરપ્રાઇઝ પ્રા. લિ. પાસે રહેતા 34 વર્ષિય જીતમલ ઝીથરા વાલહી દામસાથના 12 વર્ષિય પુત્ર વિઝેશની હત્યા થઈ છે. જીતમલ પોતાના ભાઈ સાથે અહીંયા રહી ગુજરાન ચલાવે છે. વિઝેશ અને તેના કાકાનો 16 વર્ષિય દીકરો બંન્ને ગઈકાલે બુધવારે 22મી મેના રોજ સાંજે પાણીપુરી ખાવાનું કહી ઘરેથી નીકળ્યા હતા.ઘરેથી નીકળેલા આ બંન્ને પિતરાઈ કિશોરો મોડી સાંજ સુધી ઘરે પરત આવ્યા નહોતા. તેથી પરિવારજનોએ શોધખોળ આદરી હતી. દરમિયાન 16 વર્ષિય કિશોરની ભાળ મળતાં તેણે પોતાના માવતર સામે ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો. જેમાં આ કિશોરે પોતાના પિતરાઈ ભાઈ વિઝેશની હત્યા કરી દીધી હોવાનું જણાવ્યું હતું.

આ બંન્ને કિશોરો પાણીપુરી ખાવાનું કહી ઘરેથી નીકળ્યા હતા. દરમિયાન આ બંન્ને કિશોર પૈકી એક જોડે એન્ડ્રોઇડ ફોન હતો. જેમાં આ બંન્ને પિતરાઈ ભાઈ વારાફરતી ફ્રી ફાયર ગેમ રમતા હતા.ગોબલેજ ગામની સીમમાં NGM 116 વેલ નજીક હવળ કૂવા પાસે તેઓ ગેમ રમતા હતા. આ દરમિયાન બે પિતરાઈ ભાઈઓ ગેમ રમવાના વારા અંગે મનદુઃખ થતા કિશોરે પોતાના પિતરાઈ ભાઈ વિઝેશને માથામાં વજનદાર પથ્થર માર્યો હતો. જેના કારણે વિઝેશ ત્યાં સ્થળ પર જ બેભાન થઈ ગયો હતો. પથ્થર મારનારા કિશોરે માની લીધું હતું કે વિઝેશ મૃત્યુ પામ્યો છે‌. જેથી આસપાસ કોઈ ન હોવાથી તે પણ ગભરાઈ ગયો હતો અને બેભાન પિતરાઈ ભાઈના હાથ તારથી બાંધી પથ્થર સાથે તેને નજીકના કૂવામાં ફેંકી દીધો હતો. જ્યાં બેભાન વિઝેશનું કુવાના પાણીમાં ડૂબી જતાં મૃત્યુ થયું હતું.આમ સમગ્ર બનાવ પ્રકાશમાં આવતા જીતમલ ઝીથરા વાલહી દામસાથે ખેડા ટાઉન પોલીસને આ બનાવની જાણ કરી હતી. આથી પોલીસે ઘટનાસ્થળે દોડી આવી મૃતક કિશોરના મૃતદેહને કુવામાંથી બહાર કાઢી પીએમ અર્થે ખસેડ્યો હતો. આ અંગે પોલીસે કિશોર સામે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.