શનિવાર, 23 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગાંધીનગર , મંગળવાર, 21 માર્ચ 2023 (08:45 IST)

ગુજરાતમાં વર્ષ 2021માં 71 હજાર અને વર્ષ 2022 માં 73 હજારથી વધુ કેન્સરના કેસ નોંધાયા

જી.સી.આર.આઇ.માં આવતા કુલ દર્દીઓ પૈકી 30 થી 32 ટકા દર્દીઓ અન્ય રાજ્યોમાંથી આવ્યા
સ્તન કેન્સર માટે મેમોગ્રાફી અને ગર્ભાશયના કેન્સરની તપાસ માટે પેપરસ્મેયર પણ કરવામાં આવે છે
 
 
આજે વિધાનસભા પ્રશ્નોતરીમાં અમદાવાદ સિવિલ મેડિસીટીની ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટમાં નોંધાયેલ દર્દીઓની સંખ્યામાં વર્ષ 2021માં 23,695 જ્યારે વર્ષ 2022 માં 25,192 દર્દીઓ નોંધાયા હોવાનું જણાવવામાં આવ્યું હતુ. રાજ્ય સરકારના પ્રવક્તા અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, લોકસભામાં ડિસેમ્બર-2022માં દેશભરમાં કેન્સરની સ્થિતિ અંગે પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં જાણવા મળ્યું છે કે, ગુજરાત રાજ્યમાં વર્ષ 2021 માં 71,507 જ્યારે વર્ષ 2022 માં 73382 કેસ નોંધાયા હતા. 
 
58 હજાર જેટલા લાભાર્થીઓને લાભ અપાયો
રાજ્યમાં કેન્સરનું પ્રમાણ રોકવા અને લોકોમાં જનજાગૃતિ માટે છેલ્લા 8 વર્ષમાં જી.સી.આર.આઇ. દ્વારા 641 જેટલા કેમ્પ કરીન્ 58 હજાર જેટલા લાભાર્થીઓને વિવિધ ટેસ્ટ,સ્ક્રીનીંગનો લાભ આપવામાં આવ્યો છે. આ કેમ્પમાં સ્ત્રીઓમાં મુખ્યત્વે થતા ગર્ભાશયના મુખના કેન્સર, સ્તન કેન્સરની ઝીણવટપૂર્વક તરાસ કરવામાં આવે છે. વધુમાં સ્તન કેન્સર માટે મેમોગ્રાફી અને ગર્ભાશયના કેન્સરની તપાસ માટે પેપરસ્મેયર પણ કરવામાં આવે છે. 
 
સારવાર માટે અદ્યતન મશીનો વસાવવામાં આવ્યા
ગુજરાત સરકારે રાજ્યના પ્રત્યેક નાગરિકને શ્રેષ્ઠત્તમ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ બને તેવું સુદ્રઢ માળખું, સેવાઓ તૈયાર કરી છે.જી.સી.આર.આઇ.માં તાજેતરમાં જ અંદાજિત રૂ. 85 કરોડના ખર્ચે રેડિયોથેરાપી સારવાર માટે અદ્યતન મશીનો વસાવવામાં આવ્યા છે. જી.સી.આર.આઇ.માં આવતા કુલ દર્દીઓ પૈકી 30 થી 32 ટકા દર્દીઓ અન્ય રાજ્યોમાંથી આવે છે તેમ મંત્રીએ ઉમેર્યુ હતુ.